• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • On The Final Day Of The Ganesh Festival In Sector 2 Of Gandhinagar, More Than 500 Lamps Made A Replica Of Sriji, The Residents Celebrated Ras Garba.

શ્રીજીનો અલૌકિક નજારો:ગાંધીનગરના સેકટર-2માં ગણેશ મહોત્સવના અંતિમ દિને 500થી વધુ દીવડાંથી શ્રીજીની પ્રતિકૃતિ બનાવાઈ, રહીશોએ રાસ ગરબાની રમઝટ બોલાવી

ગાંધીનગર20 દિવસ પહેલા

ગાંધીનગરનાં સેકટર - 2 ખાતે સતત 21 વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવના અંતિમ દિને મંડળના સભ્યોએ 500 થી વધુ દીવડાં પ્રજ્વલિત કરીને શ્રીજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવતાં અલૌકિક માહોલ જોવા મળ્યો હતો. ત્યારે નગરજનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

માર્ગોને રોશનીથી ઝળહળતા કરાયા
ગાંધીનગરના સેકટર - 2 નાં યુવકો દ્વારા છેલ્લા વીસ વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના નેજાં હેઠળ ભવ્ય રીતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એજ રીતે આ 21 માં વર્ષે પણ ગણેશ ચોક ખાતે વિશાળ સમિયાણો બાંધીને માર્ગોને રોશનીથી ઝળહળતા કરીને વિધિસર શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી.

અલગ અલગ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન
આ ગણેશ મહોત્સવ દરમ્યાન આ વર્ષે પણ અલગ અલગ દિવસે વિવિધ સ્પર્ધાઓ, લોક ડાયરો, તેજસ્વી તારલાનું સન્માન તેમજ જન જાગૃતિ કેળવવા માટેના નાટકોનું પણ આયોજન કરાયું હતું. આ ગણેશ મહોત્સવની તૈયારીઓ મંડળના દ્વારા મહિનાઓ અગાઉથી શરૂ કરી દેવામાં આવતી હોય છે. ઉપરાંત લોક ફાળો ઊઘરાવી દર વર્ષે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવતું રહ્યું છે.

શ્રીજીની પ્રતિકૃતિનો અલૌકિક નજારો જોવા મળ્યો
જો કે કોરોના કાળ દરમ્યાન ગણેશ મહોત્સવ સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે કોરોના સંક્રમણ નહિવત થઈ જતાં આ વર્ષે યુવક મંડળ દ્વારા કઈ નવું કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. જે અન્વયે મહોત્સવના અંતિમ દિને 500 થી વધુ દીવડાં એકસાથે પ્રજ્વલિત કરીને શ્રીજીની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે દીવડાંથી તૈયાર થયેલી શ્રીજીની પ્રતિકૃતિનો અલૌકિક નજારો નગરજનોને જોવા મળ્યો હતો.

ખેલૈયાઓનું રોકડ પુરસ્કારથી સન્માન કરાયું
બીજી તરફ અહીં પ્રતિવર્ષની આ વર્ષે પણ મ્યુઝિકલ પાર્ટીના તાલે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું. ત્યારે નગરજનોએ મધ્ય રાત સુધી મન મૂકીને ગરબાનાં તાલે ઝુમી ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. ત્યારે ગરબામાં વિજેતા ખેલૈયાઓનું રોકડ પુરસ્કારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...