ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ હાર્દિક પટેલે ગુરુવારે પત્રકાર પરિષદને સંબોધતા અમદાવાદમાં કહ્યું કે કોંગ્રેસની પાસે ગુજરાતમાં શું કરવું જોઇએ તે અંગેનું વિઝન નથી. કોંગ્રેસ માત્ર જાતિવાદી રાજકારણ કરી જાણે છે. પાટીદાર આંદોલનને કારણે રાતોરાત પ્રસિદ્ધિ પામેલા હાર્દિકે તે સમયે રાજકીય પ્રવાહ જોઇને કોંગ્રેસમાં જોડાયાના ત્રણ વર્ષે આ નિવેદનો કર્યાં છે.
હાર્દિકે તેમ પણ કહ્યું કે, મેં 2015થી જાહેર જીવનમાં ઝૂકાવ્યું અને પાછલાં ત્રણ વર્ષ હું કોંગ્રેસમાં રહ્યો. કોંગ્રેસ દરેક વ્યક્તિનો માત્ર ઉપયોગ કરીને તેને તરછોડી દે છે અને મારી સાથે પણ આવું જ થયું. મને આજે લાગી રહ્યું છે કે સાત વર્ષના મારા જાહેર જીવનમાંથી જેટલો સમય કોંગ્રેસમાં રહ્યો તે ત્રણ વર્ષ બગાડ્યાં છે. તેના કરતાં તો હું પાર્ટીમાં ન જોડાયો હોત અને સમાજ તેમજ ગુજરાતના લોકો માટે કામ કર્યું હોત તો હું કાંઇ જાહેર હિતના કામ કરી શક્યો હોત.
કોંગ્રેસના નેતાઓએ આપેલી પ્રતિક્રિયાઓ પર બોલતાં હાર્દિકે તેમ પણ કહ્યું કે, તેઓ કહે છે કે હાર્દિકને કોંગ્રેસે ઘણું આપ્યું, પરંતુ ખરેખર કાંઇ આપ્યું જ નથી. એટલું જ નહીં, મારી કોઇ સ્વતંત્ર પ્રેસ કોન્ફરન્સ પણ ન થવા દીધી કે જેથી મને પ્રસિદ્ધિ મળે. પોતાના પિતાના મૃત્યુ સમયે એક માત્ર શક્તિસિંહ ગોહિલ સિવાય કોંગ્રેસના અન્ય કોઇ નેતા સાંત્વના આપવા આવ્યા ન હતા તેમ જણાવી હાર્દિકે કહ્યું કે, જે કોંગ્રેસના નેતા પોતાના કાર્યકારી પ્રમુખના પિતાના અવસાન વખતે લાગણી પ્રદર્શિત કરવા ન આવ્યાં, તેઓ ગુજરાતના લોકોની લાગણી તો કઈ રીતે જાણી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.