સ્વાદનો ચસ્કો:દશેરાએ ગાંધીનગર જિલ્લાના લોકો 1 કરોડથી વધુના ફાફડા અને જલેબી ઝાપટી ગયા!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં દુકાન સહિત 150થી વધુ સ્ટોલમાં નાગરિકોની ભીડ જામી

દશેરાને ફાફડા-જલેબીની જયાફતનો દિવસ પણ મનાય છે, ત્યારે કોરોના ઈફેક્ટથી ગત વર્ષે ફાફડા-જલેબીનું ઘટેલું વેચાણ આ વખતે વધ્યું છે. ગાંધીનગર જિલ્લામાં નાની-મોટી દુકાનો અને સ્ટોલ મળી 800થી વધુ સ્થળે ફાફડા-જલેબીનું વેચાણ થયું હતું. જેમાં એક અંદાજે પ્રમાણે ગાંધીનગર શહેર-જિલ્લામાં નાગરિકો 1 કરોડની આસપાસ ફાફડા જલેબી ઝાપટી ગયા હતા. તેલ, બેસન, ખાંડ, ઘી દરેક વસ્તુમાં વધેલા ભાવની અસર આ વખતે ફાફડા જલેબીના ભાવ પર પણ પડી હતી.

આ વર્ષે 50થી 70 રૂપિયાના વધારા સાથે ફાફડાનો ભાવ 400થી 500 સુધી જોવા મળ્યો હતો. બીજી તરફ 260થી 320ના ભાવે તેલની જલેબી, જ્યારે ઘીની જલેબી 480થી 560 ભાવે વેચાઈ હતી. શહેરમાં સવારથી જ લોકોએ ફાફડા-જલેબી લાઈનો લગાવી હતી. કોરોના-લોકડાઉન સહિતના કારણોથી લોકોની ખરીદી શક્તિ ઘટી છે. જેને પગલે ફાફડા-જલેબીની ખરીદી માટે લોકોએ ભીડ લગાવી હતી પરંતુ ફાફડા-જલેબી ઓછા લીધા હતા. જોકે વધેલા ભાવને પગલે ફાફડા જલેબીનું અંદાજે 1 કરોડ જેટલું વેચાણ થયું હોવાનું અનુમાન છે.

મનપાની દબાણ-ફૂડ શાખા પર્વના મૂડમાં!
દશેરાએ જિલ્લામાં ઠેર-ઠેર ફાફડા જલેબીના સ્ટોલ જોવા મળ્યા હતા. એક દિવસમાં લાગતા આ સ્ટોલોમાં કોઈ મંજૂરી લેવાતી નથી. ઘણા સ્થળે તો શહેરના મુખ્ય માર્ગો પર સ્ટોલ લાગેલા હતા. બીજી તરફ શહેરના મુખ્ય બજારોમાં પણ દુકાનદારોએ પાર્કિંગ અને લોકોની અવર-જવરની જગ્યામાં જ સ્ટોલ લગાવી દીધા હતા. કોર્પોરેશનની દબાણ શાખાએ ક્યાંક કામગીરી કરી હોવાનું ધ્યાને આવ્યું નથી. બીજી તરફ ફૂડ શાખા દ્વારા પણ 52 સેમ્પલો લઈને સંતોષ માની લીધો હતો. આ સેમ્પલને રિપોર્ટ માટે મોકલાયા છે, જેના રિપોર્ટ દિવાળી બાદ આવશે.

અન્ય સમાચારો પણ છે...