આંદોલન:ST નિગમના કર્મચારીઓની માસ સીએલના એલાનને પગલે અધિકારીઓની રજાઓ રદ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપો મેનેજરે હેડ ક્વાર્ટર ન છોડવા તેમજ પોલીસ બંદોબસ્ત મેળવવા આદેશ

પડતર પ્રશ્નો નહી ઉકેલાતા એસ ટી નિગમના કર્મચારીઓ મધ્યરાત્રીથી માસ સીએલના એલાનને પગલે ડેપો મેનેજરોએ હેડ ક્વાર્ટર નહી છોડવાનો આદેશ કર્યો છે. ઉપરાંત ડેપોમાં અટવાઇ પડેલા મુસાફરોની સલામતી માટે પોલીસ બંદોબસ્ત મેળવી લેવા એસ ટી નિગમે આદેશ કર્યો છે. વધુમાં ડેપો મેનેજર સહિતના અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની છેલ્લા સવા માસથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત આંદોલન ચલાવી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર છેલ્લા ત્રણેક વર્ષની જેમ મચક આપી રહી નથી. કર્મચારીઓના ત્રણેય યુનિયનની સંકલન સમિતિના હોદ્દેદારો અને એસ ટી નિગમના અધિકારીઓની સાથે બેઠકનો દૌર કરવા છતાં પરિસ્થિતિ ઠેરના ઠેર છે.

આથી પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યભરના એસ ટી નિગમના કર્મચારીઓએ લડત આંદોલન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે નગરના ડેપોના 420 કર્મચારીઓમાંથી અંદાજે 400 જેટલા કર્મચારીઓએ માસ સીએલનો રિપોર્ટ આપી દીધો છે. મધ્યરાત્રીથી કર્મચારીઓની માસ સીએલનો લડતનો કાર્યક્રમ શરૂ થશે. આથી એસ ટી નિગમના વિભાગીય નિયામકે આદેશ કર્યો છે કે એસ ટી ડેપોના મેનેજરોએ હેડક્વાર્ટર છોડવું નહી. ઉપરાંત બસો બંધ રહેતા ડેપોમાં અટવાઇ પડેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાય નહી તેમજ તેમનું રક્ષણ થાય તેની ખાસ તકેદારી રાખવાનો આદેશમાં ઉલ્લેખ કરાયો છે.

વધુમાં એસ ટી નિગમના કર્મચારીઓના માસ સીએલની લડતને પગલે ડેપોમાં તોડ ફોડ થવાની શક્યતા રહેલી છે. આથી પોલીસ બંદોબસ્ત મેળવી લેવાનો તેમજ એસ ટી ડેપોના અધિકારીઓની રજાઓને રદ કરવાનો પણ આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

માણસામાં ST કર્મચારીઓએ પડતર પ્રશ્નો ન સંતોષાતા ઘટનાદ અને સૂત્રોચ્ચાર કર્યા
ગુજરાત એસ.ટી નિગમમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટરોએ પોતાની જૂની માંગણીઓ ન સંતોષાતા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ બુધવારે માણસા એસ.ટી ડેપોના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના નિકાલ માટે ઘટનાદ અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

હિંમતનગર એસ.ટી ડિવિઝનના માણસા ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ ઘંટનાદ અને સૂત્રોચારનો કાર્યક્રમ યોજ્યો હતો. આ અંગે વર્કસ ફેડરેશન એસટી કર્મચારી મહામંડળ અને એસટી મજદૂર મહાસંઘના અગ્રણીઓ તથા કર્મચારીઓએ રીશેષના સમયગાળા દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...