શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરેલા ધોરણ-12 સાયન્સના પરિણામની ચકાસણી માટે રાજ્યભરમાંથી 7500 વિદ્યાર્થીઓએ અવલોકન માટે ઓનલાઇન અરજી કરી છે. આવા વિદ્યાર્થીઓને 18 થી 24 જૂન સુધી અવલોકન કામગીરી માટે બોલાવવામાં આવશે. આથી વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ ઉપરથી વિગતવાર માહિતી લેવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના પ્રસિદ્ધ કરેલા પરિણામને લઇને વિદ્યાર્થીઓમાં કહીં ખૂશી કહીં ગમની સ્થિતિ જોવા મળી છે. ત્યારે શિક્ષણ બોર્ડેની ઉત્તરવહિ મૂલ્યાંકનને લઇને વિદ્યાર્થીઓમાં નારાજગી હોય તો તેના ઉકેલ માટે અવલોકનની સુવિધા આપવામાં આવી છે. આથી રાજ્યભરના વિદ્યાર્થીઓએ અવલોકન માટે ઓનલાઇન અરજી કરી હતી.
ઓનલાઇન 7500 અરજીઓ આવી હોવાથી અવલોકનની તમામ કામગીરીને સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર છે. તેમાં એક દિવસમાં 1120 વિદ્યાર્થીઓ અવલોકન કરી શકે તે માટે કુલ-7 બેચ બનાવવામાં આવી છે. એક બેચમાં 160 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત અવલોકન કામગીરી સારી રીતે થઇ શકે તે માટે એક બેચ માટે ચાર રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે.
જેને પરિણામે એક રૂમમાં 40 વિદ્યાર્થીઓનો સમાવેશ કરીને કુલ-7 દિવસમાં 7500 વિદ્યાર્થીઓની અવલોકનની કામગીરીને પૂર્ણ કરવામાં આવશે. અવલોકનની કામગીરી વલાદની આધારશીલા સ્કુલ ખાતે રાખવામાં આવી હોવાનું શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે આગામી 18 થી 24 જુન દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલી અરજી અંગે અવલોકનની કામગીરી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.