ગુજરાતમાં ગૃહ વિભાગ અંતર્ગત લોક રક્ષક દળની લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફાઇનલ આન્સર કી જાહેર કરાયાં બાદ પણ ઘણાં પ્રશ્નોના ઉત્તર ભૂલભરેલા છે તેવો દાવો યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. તેની સામે પોતાનો જવાબ રજૂ કરતાં લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ અને આઇપીએસ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું કે આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર થયાં બાદ પણ કેટલાંક પરીક્ષાર્થીઓએ લેખિત અને મૌખિક વાંધા રજૂ કર્યાં હતાં. આ વાંધાઓ અને રજૂઆતો પર હાલ અમારી વિચારણા ચાલું છે. આ કારણોસર હજુ બોર્ડે આ પરીક્ષાનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.
દિવ્ય ભાસ્કરને જણાવતાં પટેલે કહ્યું કે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયાં બાદ 19 એપ્રિલે બોર્ડની બેઠક બોલાવી તેનો અભ્યાસ કરી નિર્ણય કરાયો હતો. અમુક પ્રશ્નો સામેના વાંધામાં વધુ સ્ત્રોત થકી અભ્યાસ જરૂરી હોવાનું જણાતાં બોર્ડે તેના નિરાકરણ માટે 27 એપ્રિલે બીજી એક વધુ બેઠક બોલાવી હતી અને તે પછી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી.
કેટલાંક ઉમેદવારો રૂબરૂ મળ્યા હતા. રૂબરૂ આવનારાં ઉમેદવારોને તેમણે જણાવેલાં પ્રશ્નોમાં કરાયેલાં ફેરફારના કારણો જણાવાયાં હતાં અને તેમને સંતોષજનક પ્રત્યુત્તર પાઠવાયો હતો. બોર્ડ પારદર્શક પદ્ધતિ સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા હાથ ધરે છે અને ઉમેદવારો તરફથી આવતી તમામ રજૂઆત પર પૂરતું ધ્યાન અપાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.