તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMની સૂચના:NRI દાતાના ફંડથી ગામડાંમાં 1 હજાર કરોડનાં કામો હાથ ધરાશે, વતનપ્રેમ યોજનામાં વર્ગખંડો બનાવવાને પ્રાથમિકતા આપો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાતાના નામની તકતી મુકાશે, 60 ટકા દાન સામે સરકાર 40 ટકા ફાળો આપશે

રાજ્ય સરકારે તાજેતરમાં અમલી બનાવેલી વતનપ્રેમ યોજના અંતર્ગત એનઆરઆઇ ગુજરાતીઓના દાનથી રાજ્યના ગામડાંમાં ડિસેમ્બર 2022 સુધીમાં 1 હજાર કરોડના કામો હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. દાતાઓ વતનના ગામમાં કોઇ કામ માટે 60 ટકા રકમનું દાન આપશે તો 40 ટકા ગ્રાન્ટ સરકાર ફાળવશે.

વતનપ્રેમ યોજના સોસાયટીની ગર્વનિંગ બોડીની પ્રથમ બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં આ યોજના હેઠળ રાજ્યના ગામડાંમાં વિકાસ કામો હાથ ધરવા અગે ચર્ચા કરાઇ હતી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની સ્કૂલોમાં જર્જરિત વર્ગખંડો અને વર્ગખંડોની અછતને કારણે સ્કૂલોના ઓરડા બનાવવાને અગ્રિમતા આપવાનું સૂચન સીએમ રૂપાણીએ કર્યું હતું. યોજનાના વેબ પોર્ટલ પર દરેક ગામની શાળામાં ઓરડાની જરૂરિયાતની વિગતો આપવા શિક્ષણ વિભાગ સાથે સંકલન કરવા સૂચના આપી હતી.

વતનપ્રેમ યોજના હેઠળ સ્કૂલોના ઓરડા સિવાય સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મધ્યાહ્ન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, લાયબ્રેરી, વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સીસીટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, સ્મશાનગૃહ, વોટર રિસાયકલિંગ, ગટર, તળાવ બ્યુટીફિકેશન, એસટી સ્ટેન્ડ, સોલાર સ્ટ્રીટ લાઇટ અને પાણીના ટ્યુબવેલ જેવા કામો કરી શકાશે. આ યોજના માટે અલાયદું વેબ પોર્ટલ શરૂ કરી તેના દ્વારા પેમેન્ટની વ્યવસ્થા પણ કરાશે. જે કામ પૂર્ણ થાય ત્યાં દાતાના નામની તકતી મૂકાશે. યોજના માટે 24 કલાક કાર્યરત કોલ સેન્ટર શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...