ભાસ્કર એક્સક્લૂઝિવ:હવે દેશભરમાં ક્યાંય પણ ટ્રાફિક નિયમ તોડ્યો તો ઘરે મેમો આવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક દેશ, એક ચલાન: રાજ્યમાં એકાદ મહિનામાં અમલની શક્યતા

દિલીપ પ્રજાપતિ

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ‘એક દેશ, એક ચલાન’ યોજના લાગુ કરવાની તૈયારી થઇ રહી છે. આ યોજના ગુજરાતમાં આગામી એકાદ મહિનામાં અમલી થઇ જવાની શક્યતા છે. તે અંતર્ગત વાહનચાલકો દેશના કોઇ પણ ખૂણે ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો મેમો સીધો ઘરે આવી જશે. ત્યાર પછી જે તે વાહનના માલિકે ફરજિયાત દંડ ભરવો પડશે. જો દંડ નહીં ભરાય તો નોંધણી કરાયેલી આરટીઓ કચેરીમાં દંડ બાકી બતાવશે અને આગળની પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે.

આ યોજના સૌથી પહેલાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર શહેરમાં શરૂ કરાશે. ત્યાર પછી તે અન્ય શહેરોમાં પણ અમલી કરાશે. દેશમાં ટ્રાફિક નિયમોને લગતા અનેક સુધારા લાગુ કરાઇ રહ્યા છે, ત્યારે રાજ્યમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આગામી એક મહિનામાં ‘એક દેશ, એક ચલાન’ શરૂ કરવાની કવાયત શરૂ કરાઈ છે. હાલની પ્રક્રિયા પ્રમાણે જે તે રાજ્યમાં બીજા કોઇ રાજ્યનું વાહન ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તેમને ઈ-મેમો મોકલાતો નથી. જોકે હવે કોઈ પણ રાજ્યનું વાહન હોય તેનો મેમો વાહનમાલિકના સરનામે જનરેટ થઇ જશે. એ રીતે દેશમાં ક્યાંય પણ ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનમાલિકે ફરજિયાત દંડ ભરવો પડશે એવો રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આદેશ કરાયો છે.

ગુજરાતના લોકોને અન્ય રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ તેમના ઘરના સમનામે મેમો મળશે. મેમો મળ્યા પછી વાહન માલિકો દંડ ભરવા મેમો પરના ક્યુઆર કોડનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ઓનલાઇન દંડ ભરવામાં મુશ્કેલી હશે, તો મેમો પર એક બેન્ક ખાતા નંબર પણ હશે, જેથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં જઇને પણ દંડ ભરી શકાશે.

ત્રણ મહિનામાં દંડ નહીં ભરાય તો ટ્રાફિક કોર્ટમાં કેસ ચાલશે
હવે એપ્લિકેશન પ્રોગ્રામ ઈન્ટરએક્શન સિસ્ટમથી તમામ રાજ્યનો ડેટા લિન્ક થશે. ગુજરાતનો પરિવાર રાજસ્થાનમાં ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો તેને પણ મેમો અપાશે. એ પહેલાં મોબાઇલ નંબર પર મેસેજ પણ મોકલાશે. ત્યાર પછી તેમના સરનામે ચલાન મોકલવામાં આવશે. જો દંડ નહીં ભરાય, તો સ્થાનિક આરટીઓ કચેરીમાં તેનો દંડ બાકી બોલશે. એટલે કે તેની વાહન ટ્રાન્સફર સહિતની પ્રક્રિયા નહીં થઇ શકે. આ ઉપરાંત અત્યાર સુધી અનેક વાહનચાલકોના ઘરે મેમો ગયા પછી દંડ ભરતા ન હતા, પરંતુ હવે મેમો મળ્યા પછી વાહનમાલિક ત્રણ મહિના (90 દિવસ)માં દંડ નહીં ભરે તો ટ્રાફિક કોર્ટમાં કેસ ચાલશે. વાહનમાલિકે ટ્રાફિક કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. > શેફાલી બરવાલ, એસ.પી., સ્ટેટ ટ્રાફિક બ્રાંચ

અન્ય સમાચારો પણ છે...