ગાંધીનગર મનપા વિસ્તારમાં સોમવારે વાહનજન્ય રોગ નિયંત્રણ માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 61 ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં એન્ટી લાર્વલની કામગીરી કરાઈ હતી. જેમાં 9115 ઘરોની મુલાકાત લઈને 13,569 પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 466 પાત્રો પોરા માટે પોઝેટિવ જોવા મળ્યા હતા. કામગીરીમાં તાવના 206 કેસ મળતા લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલી અપાયા હતા. આ ઉપરાંત 38 કન્સ્ટ્રક્શન સાઈટ, 14 સ્કૂલો તેમજ 37 જીઆઈડીસી એકમોમાં પણ તપાસ કરાઈ હતી.
જેમાંથી 8 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ અપાઈ છે. કામગીરી વચ્ચે સે-13ની ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઘેર-ઘેર બીમારીના ખાટલા હોવાની રાવ ઉઠી છે. આ અંગે આમ આદમી પાર્ટીના તુષાર પરીખ, નગીનભાઈ નાડીયા, હર્ષાબેન શ્રીમાળી, ભૂમીબેન રબારીએ મળીને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને લેખિત જાણ કરી છે.
જેમાં લખાયું છે કે વરસાદ બાદ 15 દિવસથી સેક્ટર-13 ઝુપડપટ્ટી વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. કોરોનાના ભયથી લોકો હોસ્પિટલ જવા તૈયાર નથી. જેથી તાવના દર્દીઓ વધતા સે-13 ખાતે ધન્વંતરી રથ મોકલવા, દવાનો છંટકાવ અને ફોગિંગ માટે વિનંતી કરી છે.હાલમાં તંત્ર દ્વારા ખાસ કાળજી રખાઈ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.