સારસ્વતોમાં રોષ:શિક્ષક દિને 539 છાત્રોની ઓનલાઇન હાજરી ન પૂરતાં 569 શિક્ષકોને નોટિસ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વર અને ઇન્ટરનેટની ખામીને કારણે હાજરી પૂરવામાં 2 કલાકનો સમય બગાડતાં શિક્ષકો

શિક્ષક દિને જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રએ 569 શિક્ષકોને નોટિસ ફટકારતા સારસ્વતોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ શિક્ષકોએ 539 વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી નિયમિત પૂરી નહીં હોવાનું કારણ નોટિસમાં દર્શાવ્યું છે. જોકે ઓનલાઈન હાજરીના સરોવરમાં તેમજ ઇન્ટરનેટમાં ખામીને પગલે વિદ્યાર્થીની ઓનહાજરી પુરવામાં બે બે કલાક જેટલો સમય જતો હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે.

આથી ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ઓનલાઇન હાજરી માટે માત્ર દસ જ મિનિટ ફાળવવાનો આદેશ કર્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઇન પુરવાની સિસ્ટમ બનાવી છે. પરંતુ જિલ્લાની શાળાઓ તેમજ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઓનલાઇન હાજરીનું સર્વર કેપેસીટી વાળું નથી. જેને પરિણામે વિદ્યાર્થીઓની હાજરી જે 10 મિનિટમાં પુરાઈ જવી જોઈએ, તેના માટે બે બે કલાક જેટલો સમય બગાડવાની શિક્ષકોને ફરજ પડી છે.

આથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઈનના સર્વરને અપગ્રેડ કરવાના બદલે શિક્ષકોનો જ દોષ કાઢીને તેઓને ખુલાસા પૂછીને માનસિક ત્રાસ આપીને દબાવવાનો પ્રયત્ન શિક્ષણ વિભાગ કરતું હોય તેવા આક્ષેપો શિક્ષકોએ કર્યા છે. સર્વર અને ઇન્ટરનેટની સ્પીડ વાળી સુવિધા આપવાને બદલે લો સિસ્ટમવાળી સુવિધા આપીને ઓનલાઈન હાજરી જેવા નિયમો બનાવ્યા છે. જેને પરિણામે વધુ સમય હાજરી પુરવામાં જ જતો હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે.

શિક્ષક દિને જિલ્લાના 569 પ્રાથમિક શિક્ષકોને 539 વિદ્યાર્થીઓની હાજરી સમયસર નહીં પુરવા બદલ નોટિસ ફટકારીને ખુલાસો પૂછવામાં આવતા શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો છે.શિક્ષણ તંત્ર દ્વારા શિક્ષકો અને બાળકોના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખી મહિનામાં ત્રણ કે ત્રણથી વધુ વખત ઓનલાઈન હાજરી સમયસર નહીં પૂરવા બદલ નોટિસ કે ખુલાસા મોકલવાનો નિયમ બનાવવાની માંગ પણ શિક્ષકોમાં ઉઠી છે. ઓનલાઈન હાજરીના મામલે યોગ્ય નિયમો બનાવવાની માંગ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રજૂઆત કરી હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...