આવાસ યોજનામાં ચકાસણી:રાયસણના 205 આવાસના માલિકોએ મકાનો ભાડે આપતાં નોટિસ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુડાની આવાસ યોજનામાં ચેકિંગ કરતા લાભાર્થીઓના મકાનોમાં ભાડુઆતો મળ્યા. - Divya Bhaskar
ગુડાની આવાસ યોજનામાં ચેકિંગ કરતા લાભાર્થીઓના મકાનોમાં ભાડુઆતો મળ્યા.
  • ગુડાના એસ્ટેટ વિભાગ દ્વારા અલગ અલગ દસ ટીમો બનાવી એઆઇજી-1 અને એફપી-352 આવાસ યોજનામાં રહેતા લાભાર્થીઓની ચકાસણી કરાઈ

ગુડાએ રાયસણમાં બનાવેલા એઆઇજી-1 અને એફપી-352 આવાસ યોજનામાં રહેતા લાભાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. ગુડાની અલગ અલગ દસેક ટીમોએ તપાસમાં કુલ 205 લાભાર્થીઓએ પોતાના મકાનોને ભાડે આપ્યાનું બહાર આવતા નોટીસ ફટકારી હતી. જ્યારે સાત મકાનોને સીલ મારવામાં આવ્યું હતું.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે અલગ અલગ આવાસ યોજના થકી આવાસો બનાવીને ડ્રો કરીને ફાળવવામાં આવ્યા છે. જોકે આવાસ જે લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. પરંતુ અમુક લાભાર્થીઓ દ્વારા પોતાના મકાનોને ભાડે આપી દઇને શરત ભંગ કર્યાની જાણ થઇ હતી.

આથી ગુડાની એસ્ટેટ વિભાગ દ્વારા અલગ અલગ દસ ટીમો બનાવીને રાયસણની એલઆઇજી-1 અને એફપી-352 ખાતે ડોર ટુ ડાર તપાસ કરવામાં આવી હતી. તેમાં કુલ 205 આવાસોમાં મૂળ લાભાર્થીને બદલે ભાડુઆત રહેતા હોવાનું બહાર આવ્યું હતું. આથી ગુડાની એસ્ટેટ વિભાગ દ્વારા 205 આવાસોને નોટીસ પાઠવીને દિન-10માં મકાન ખાલી કરવાનો આદેશ કર્યો હતો. ગુડાના આવાસ યોજનામાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા ડ્રોથી મકાન માલિક બનેલા લાભાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

લાભાર્થીઓને નોટિસ ફટકારી
ગુડાની આવસા યોજનાનો લાભ લીધા બાદ પણ ગુડાએ નક્કી કરેલા નિયમો તેમજ શરતોનું પાલન કરવામાં આવ્યું નહી. શરતનો ભંગ કરીને પોતાના મકાનોને ભાડે આપવા બદલ રાયસણની આવાસ યોજનામાં રહેતા 80 લાભાર્થીઓને નોટીસ ફટકારી હતી.

રાયસણ ખાતે 7 આવાસોને સીલ મરાયા
ગુડાના એસ્ટેટ વિભાગ દ્વારા રાયસણ ખાતેના આવાસ યોજનામાં તપાસમાં 7 મકાનોને નોટીસ આપવા છતાં મકાન ભાડે આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી ગુડા દ્વારા 7 આવાસોનો સીલ મારવાની કામગીરી કરી હતી. ઉપરાંત તેના લાભાર્થીઓને નિયત કરેલા દંડની રકમ ભરીને સીલ ખોલી જવા જણાવ્યું હતું.

રાયસણની અલગ અલગ આવાસ યોજનામાં બીજી વખત ચેકિંગ કરાયું
રાયસણની એલઆઇજી-1ની એફપી-351માં ચેકિંગ કરતા કુલ 43 લાભાર્થીઓ અને એફપી-352માં પણ ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું ગુડાના સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...