હાલાકી:વન વિભાગના 5000 રોજમદારોને કાયમી કરવા 2 વર્ષમાં 111 પત્ર લખ્યા છતાં ન્યાય નહીં

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં પણ રોજમદારોને 2 અને 3 મહિને પગાર મળે છે
  • લાયકાત ધરાવતા રોજમદારોને વન સંરક્ષક તરીકે ભરતી કરવાની માંગણી કરી

રાજ્યના વન વિભાગના 5000 જેટલા રોજમદારોને કાયમી કરવામાં આવ્યા નથી. આથી રોજમદારોને કાયમીની માંગણી સાથે ગુજરાત વન શ્રમયોગી સંઘ દ્વારા છેલ્લા બે વર્ષમાં 111 પત્રો સરકારમાં લખવા છતાં ન્યાય મળ્યો નથી. ઉપરાંત કોરોનાની મહામારીમાં પણ રોજમદારોને બે અને ત્રણ મહિને પગાર આપવામાં આવતો હોવાનો આક્ષેપ ગુજરાત વન શ્રમયોગી સંઘના પ્રમુખે કર્યો છે.

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા રોજમદારોની ભરતી કરીને વર્ગ-4માં સમાવવામાં આવ્યા હતા. જોકે રોજમદારોને કાયમી કરીને સરકારી લાભો આપવા માર્ગ મકાન વિભાગે તારીખ 17મી, ઓક્ટોબર-1988માં ઠરાવ કર્યો હતો. પરંતુ તેમાં માત્ર વન વિભાગના રોજમદારોને બાકાત રાખીને અન્યાય કર્યો હતો. આથી રોજમદારોને કાયમી કરીને વર્ગ-4ના સરકારી કર્મચારીઓને મળતા લાભો આપવાની માંગણી ઉઠી છે. કાયમી રોજમદારોના પગાર બીલો ટ્રેઝરી મારફતે થતાં હતા. પરંતુ માર્ચ-2020થી ટ્રેઝરીમાં પગાર બીલો સ્વિકારવાનું બંંધ કરી છે. ઉપરાંત વાઉચરથી પગાર આપે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીમાં કર્મચારીઓને પગાર નિયમિત આપવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. તેમ છતાં વન વિભાગના રોજમદારોને બે અને ત્રણ મહિને પગાર થતો હોવાનો આક્ષેપ રોજમદારોએ કર્યો છે.

વન વિભાગના રોજમદારોને 7માં પગારપંચનો લાભ નહી આપીને અન્યાય કર્યો છે. જોકે વર્ષ-1999મા વન અને પર્યાવરણ વિભાગે ઠરાવ કરીને 342 કાયમી રોજમદારોને વર્ગ-3 વન સંરક્ષકમાં ભરતી કરી છે. આથી લાયકાત ધરાવતા રોજમદારોને વન સંરક્ષક તરીકે ભરતી કરવાની માંગણી કરી છે. રોજમદારોને કાયમી કરીને સરકારી લાભો આપવાની માંગણી સાથે છેલ્લા બે વર્ષમાં 111 વખત પત્રો લખવા છતાં વન વિભાગના રોજમદારોને ન્યાયથી વંચિત રહ્યા હોવાનું ગુજરાત વન શ્રમયોગી સંઘના પ્રમુખ એન.એફ.મલેકે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...