એસ ટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને કન્સેશનવાળા પાસ કાઢી આપવામાં આવે છે. તેમ છતાં બસની સુવિધા નહી મળતા વિદ્યાર્થીઓને પાસનો ખર્ચ માથે પડી રહ્યો છે. આવી સ્થિતિ લોદરાની આર્યુવેદિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બની રહી છે. વિજાપુરથી આવતી તમામ બસો ભરેલી જ આવતી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડતા રોડ ઉપર ઉતર્યા હતા. બસો રોકીને નવી બસો શરૂ કરવાની માંગણી વિદ્યાર્થીઓએ કરી હતી.
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવકમાં વધારો થાય તે માટે મુસાફરોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. તેમાં મુસાફર, વિદ્યાર્થીઓ માટે કન્સેશનવાળા અને વિદ્યાર્થીનીઓ માટે મફત પાસની યોજના શરૂ કરવામાં આવી છે. જોકે મુસાફર પાસમાં 50 ટકા કન્સેશન અને વિદ્યાર્થી પાસમાં અંદાજે 70 ટકા કન્સેશન આપવામાં આવી રહ્યું છે. આથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે એસ ટી બસ પાસ કઢાવતા હોય છે. જોકે એસ ટી બસનો પાસ કઢાવ્યો હોવા છતાં વિદ્યાર્થીઓને સમયસર બસ નહી મળતી હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિ જિલ્લાના લોદરા ગામની આર્યુવેદિક કોલેજના વિદ્યાર્થીઓની બની રહી છે. વિદ્યાર્થીઓએ અપડાઉન કરવા માટે એસ ટી બસ પાસ કઢાવી દીધો છે.
પરંતુ વિજાપુરથી આવતી તમામ બસો મુસાફરોથી ભરચક આવતી હોવાથી લોદરાના બસ સ્ટેન્ડમાંથી વિદ્યાર્થીઓને બસમાં ક્યાં બેસવું તેવી સ્થિતિ બની રહતી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. વિદ્યાર્થીઓ પાસેથી પાસના એડવાન્સ ચાર્જ વસુલવા છતાં બસની સુવિધા નહી મળતા વિદ્યાર્થીઓમાં રોષ ઉઠ્યો છે. આથી બસની સુવિધા વધારવાની માંગણી સાથે વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી આવીને બસો રોકવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓને સમજાવટ બાદ બસોને જવા દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.