• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Not Getting Proper Affordable Price Of Garlic, Farmers Protested At Gandhinagar's Satyagraha Camp, Distributed 4 Thousand Kg Of Garlic To The Poor For Free.

અનોખો વિરોધ:લસણના યોગ્ય પોષણક્ષમ ભાવો નહીં મળતાં ખેડૂતોએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવ્યો, 4 હજાર કિલો લસણ ગરીબોને મફતમાં વહેંચી દીધું

ગાંધીનગરએક મહિનો પહેલા

ગુજરાતના ખેડૂતોને લસણ જેવા વિવિધ પાકોના યોગ્ય પોષણક્ષમ ભાવો બજારમાં નહીં મળતાં આજે ગુજરાત કિસાન સંગઠન દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 4 હજાર કિલો લસણ નિઃશુલ્ક વહેંચીને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

જેટલો ખર્ચ આવે છે તેટલો પણ ભાવ નથી મળતો
ગુજરાતના ખેડૂતોને લસણ જેવા વિવિધ પાકોના યોગ્ય પોષણક્ષમ ભાવો બજારમાં મળી રહ્યા નથી. ખેડૂતોને લસણના પાકમાં એક મણે જેટલો ઉત્પાદન ખેતી ખર્ચ આવે છે તેટલો ભાવ પણ માર્કેટમાં મળી રહ્યો નથી. જેથી ગુજરાતના ખેડૂતો પોતાના મહામુલ્યવાન લસણનાં પાકને રોડ રસ્તા તેમજ નદી નાળામાં ફેકી દેવા માટે મજબુર બન્યા છે. ગુજરાતના ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચે અને સરકારની આંખો ખુલે તેવા હેતુંથી આજરોજ ગુજરાત કિશાન સંગઠન દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે અનોખી રીતે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નવો લોક ઉપયોગી રીતે વિરોધ કરવાનો ચીલો ચાંતર્યો
આ અંગે ગુજરાત કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.કે.પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી ખેડૂત પુત્ર ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,ગુજરાત કિશાન સંગઠનની ટીમ અને ખેડૂતો સાથે મળીને ગાંધીનગર ખાતે ગરીબોને 4 હજાર કિલો લસણ મફતમાં વહેંચી અનોખી અને લોક ઉપયોગી રીતે વિરોધ નોંધાવવા એકઠા થયા છે. ગાંધીનગર ખાતે ગરીબોમાં 4 હજાર કિલો લસણ મફતમાં વહેંચી વિરોધ માટે અવાર-નવાર દૂધ, ફળ, શાકભાજી અને વિવિધ પાકોને રોડ રસ્તા કે નદી નાળામાં ફેંકી દેવાના બદલે ગુજરાત કિશાન સંગઠન દ્વારા જરૂરિયાત મંદ ગરીબ લોકોને ફ્રીમાં આપી સરકાર અને તંત્ર સામે વિરોધ નોંધાવાની આ નવી પ્રથાનો આજે લાભ પાંચમના શુભ દિવસથી શરૂઆત કરી છે. ગુજરાત કિશાન સંઘે નવો લોક ઉપયોગી રીતે વિરોધ કરવાનો ચીલો ચાંતર્યો છે.

પાકની યોગ્ય ભાવે ખરીદીની માગ કરાઈ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને દેવામાં ડૂબતા બચાવવા માટે તાત્કાલિક ધોરણે લસણ જેવા વિવિધ પાકોની યોગ્ય ભાવે ખરીદી, એક્ષપોર્ટ, સ્ટોક કે પ્રોસેસ વગેરે જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી સખતમાં સખત માંગણી ગુજરાત કિશાન સંગઠન દ્વારા જગત તાત મિશન –2022 અંતર્ગત કરવામાં આવી છે.
એક એકરે 37 હજારના ખર્ચ સામે 22 હજાર રૂપિયા મળે છે
વાવણીથી લઈને કાંપણી સુધી એક એકરે લસણની ખેતી માટેનો ટોટલ ખર્ચ 37 હજાર 170 રૂપિયા થાય છે. જયારે ખેડૂતોને એક એકરે લસણનું ઉત્પાદન અંદાજે 150 મણ જેટલું થાય છે. આ વર્ષે લસણનો એક મણનો અંદાજીત ભાવ માત્ર રૂપિયા 150 પ્રતિ મણના માંડ માંડ મળી રહ્યા છે .એટલે કે ખેડૂતોને એક એકરે 22,500 રૂપિયા મળી રહ્યા છે .જેની સામે ખેડૂતોને 37 હજાર 170 રૂપિયાનો ખેતી ખર્ચ આવે છે એટલે કે, લસણની ખેતી કરતા ખેડૂતોને એક એકરે લગભગ 14 હજાર 670 રૂપિયાની ખોટ આવી રહી છે. લસણની ખેતી ગુજરાતના ખેડૂતો માટે ખોટનો ધંધો બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...