રાહત:10 દિવસથી મ્યુકોર માઇકોસિસનો એકય કેસ નહીં

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મ્યુકોર માઇકોસિસના કેસ ઘટ્યા પણ એમ્ફોટિસિરિન-બી ઇન્જેક્શનની અછત

છેલ્લા દસ દિવસથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસના એકપણ કેસ નહી નોંધાતા આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે. જોકે હાલમાં કોરોનાના કેસ પણ ઘટી ગયા હોવાનું કારણ પણ કેસ ઘટવા પાછળનું હોઇ શકે છે. જોકે કેસ ભલે ઘટી રહ્યા હોય તેમ છતાં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની તંગી યથાવત રહેવા પામી છે.કોરોનાની મહામારીમાંથી મુક્તિ મેળવનાર જે દર્દીઓને ડાયાબિટીસ, કિડની સહિતની બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોર માઇકોસિસની બિમારી એટલે બ્લેક ફંગસની બિમારી જોવા મળતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક મહિના અગાઉ વોર્ડ શરૂ કર્યો હતો.

ઉપરાંત મ્યુકોર માઇકોસિસનો વોર્ડ શરૂ કરવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓપ્થેમોલોજી, ફેસીયોમેકઝીબરી અને ન્યુરોસર્જન સહિતના નિષ્ણાંત તબિબો નહી હોવાથી હાલમાં માત્ર નાક કે આંખની નીચેના ભાગમાં જ મ્યુકોર માઇકોસિસ જોવા મળે તો તેવા દર્દીઓના ઓપરેશન કરાઈ રહ્યા છે. ઓપરેશન કરાયેલા દર્દીઓને એક મહિના સુધી નિદાન અને સારવાર કરાય છે. શરૂઆતમાં દરરોજના સાતથી દસ જેટલા કેસ આવતા હતા.

અત્યાર સુધી 15 દર્દીના ઓપરેશન કરાયા, એકપણ દર્દીને રજા અપાઈ નથી
સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા મ્યુકરમાઇકોસિસના વોર્ડમાં હાલમાં કુલ- 30 જેટલા દર્દીઓ દાખલ છે. તેમાંથી સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના ડો.નિરજા સૂરી તેમજ ડો.યોગેશ ગજ્જર દ્વારા 15 દર્દીઓના ઓપરેશન કર્યા છે. મ્યુકરમાઇકોસિસનું ઓપરેશન કરાયેલા 15 દર્દીઓમાંથી એકપણ દર્દીને હજુ સુધી રજા આપવામાં આવી નથી. કેમ કે ઓપરેશન કર્યા બાદ દર્દીને એક મહિના સુધી એમ્ફોટિસિરિન-બી ઇન્જેક્શન આપવા પડે છે. ત્યારબાદ તેનો લેબોરેટરી રિપોર્ટમાં નીલ આવે તો જ દર્દીને રજા અપાય છે.

કોરોનાના 13 કેસ : 55 સાજા, 3ના મોત
જિલ્લામાં નવા 13 કેસ સાથે જ જિલ્લાના મનપા વિસ્તારમાંથી 8 કેસ નોંધાયા હતા. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે કલોલ અને દહેગામ તાલુકામાંથી 2-2 અને માણસા તાલુકામાંથી 1 કેસ નોંધાયો છે. કોરોનાની સારવારથી વધુ 55 દર્દીઓ સાજા થયા જ્યારે વધુ 3 દર્દીઓના મોતથી કુલ આંકડો 2021એ પહોંચ્યો છે. જિલ્લાના મનપામાંથી 8 અને ચારેય તાલુકામાંથી 5 કેસ : મનપા વિસ્તારમાંથી નવા 8 કેસમાં કુડાસણમાંથી 2, સેક્ટર-5માંથી 2, સેક્ટર-27માંથી 1, કોલવડામાંથી 1, સેક્ટર-4માંથી 1, સેક્ટર-2માંથી 1 કેસ નોંધાયો છે.

જ્યારે જિલ્લાના કલોલ તાલુકાના કરોલીમાંથી 1, નારદીપુરમાંથી 1 કેસ નોંધાયો છે. ઉપરાંત દહેગામ તાલુકાના જીવરાજના મુવાડામાંથી 1, હરખજીના મુવાડામાંથી 1 કેસ તેમજ માણસા તાલુકાના બોરૂમાંથી 1 કેસ નોંધાયો છે.જિલ્લાના 7924 લાભાર્થીઓએ રસી લીધી : જિલ્લાના 7924 લાભાર્થીઓએ સોમવારે લીધી છે. તેમાં મનપા વિસ્તારમાંથી 18 વર્ષથી મોટી ઉંમરના 3631 અને 45 વર્ષથી મોટી ઉંમરના 610 સહિત કુલ 4241 લાભાર્થીઓએ વેક્સિન લીધી છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકાના કુલ 3683 રસી લીધી.

અન્ય સમાચારો પણ છે...