કાર્યવાહી:ગાંધીનગરમાં રોડ પર ઊભી રહેતી નોન વેજની રેકડીઓનો સરવે કરાશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ અને વડોદરામાં કાર્યવાહી કર્યા બાદ ગાંધીનગરમાં પણ સળવળાટ
  • મનપામાં પદાધિકારીઓ-અધિકારીઓની બેઠકો શરૂ, રસ્તાની બંને બાજુ ઊભી રહેતી રેકડીઓનો સરવે કર્યા બાદ દબાણ દૂર કરો : મૅયરનો આદેશ

રસ્તા પર ઊભી રહેતી માંસ-મટન અને ઈંડાંની રેકડીઓથી ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાના મુદ્દે રાજકોટ અને વડોદરા શહેરોમાં લોકોનો રોષ સામે આવ્યો છે અને બંને શહેરોમાં મહાનગરપાલિકાઓએ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આવી રેકડીઓ સામે ગાંધીનગરમાં પણ સળવળાટ શરૂ થયો છે. પાટનગરમાં ફૂટપાથ ઉપર ઊભી રહેતી નોન વેજની રેકડીઓનો સરવે કરવા મૅયરે અધિકારીઓને આદેશ કર્યો છે. સરવે બાદ લારીઓનાં દબાાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાશે.

ફૂટપાથ પર ઊભી રહેતી વેજ અને નોન વેજની લારીઓ મુદ્દે રાજકોટ અને વડોદરા બાદ હવે ગાંઘીનગરમાં પણ વિવાદ સર્જ્યો છે. રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકાએ લારીઓ ઊભી રાખીને ધંધો કરનારાની સામે કાર્યવાહી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાના માર્ગોની આસપાસની ફૂટપાથ ઉપર લારીઓ ઊભી રાખીને ધંધો કરનારની સામે કાર્યવાહી કરવાના સંકેતો મૅયર હિતેષ મકવાણાએ આપ્યા છે.

ફૂટપાથ પર ઊભી રહેલી લારીઓની સામે શું કાર્યવાહી કરવાના પ્રશ્નના ઉત્તરમાં મૅયરે જણાવ્યું છે કે નગરના તમામ વિસ્તારોના માર્ગોની બંને સાઇડની ફૂટપાથ પર કેટલી લારીઓ ઊભી રહે છે, તેનો સરવે કરવાનો અધિકારીઓને આદેશ કર્યો છે. મનપા વિસ્તારના માર્ગની બંને સાઇડની ફૂટપાથ ઉપર ઊભી રહેતી લારીઓના સરવે બાદ આગામી દિવસોમાં તેમની સામે કાર્યવાહી કરવા માટે ખાસ આયોજન કરવામાં આવશે.

જેમાં વિસ્તારના આધારે ફૂટપાથ પર ઊભી રહેતી લારીઓ દૂર કરીને લારીઓના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેમ મૅયરે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાટનગરની રોનક સમાન રોડની બન્ને સાઇડ ઉપર લારીઓ કે વાહનોએ અડિંગો જમાવી દીધો હોવાથી રાહદારીઓ માટે ચાલવું કપરૂ બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...