ભાસ્કર વિશેષ:વર્તમાન સમયમાં આપણી જાત સુધી પહોંચવા કોઈ ગૂગલ મેપ કામ નહીં લાગે : મનોજ જોશી

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલ્ચર ફોરમ દ્વારા હુ મને શોધું છું વિષય પર વકતવ્ય

ગાંધીનગર કલ્ચર ફોરમ દ્વારા રવિવારે 'અર્ક વ્યાખ્યાનમાળા' અંતર્ગત 'હું મને શોધું છું' વિષય અન્વયે વક્તવ્ય યોજાયું હતું. કવિ અને ચિંતક રાજેન્દ્ર શુક્લ, વક્તા અને અભિનેતા મનોજ જોશી, લેખક અને ચિંતક ડૉ. નિમિત ઓઝા, કવયિત્રી અને લેખિકા એષા દાદાવાલાએ વક્તવ્ય આપ્યા હતા. મનોજ જોશીએ હું મને શોધું છું વિષય પર વક્તવ્ય આપતાં કહ્યું હતું કે,‘વર્તમાન સમયમાં સોશિયલ લાઈફ સુપરફિશિયલ થઈ ગઈ છે. પ્રભાવ પાડવાની વાત વધી ગઈ છે, દેખાદેખી વધી ગઈ છે. આપણે પોતાની જાતને બીજાની આંખમાં, અન્યની કૃતિમાં શોધીએ છીએ.

બીજાના મનમાં શોધીએ છીએ. રાત્રિના આરામ પછી આપણો ઉઠવાનો સમય થાય છે ત્યારે આપણા સંતાનોનો સૂવાનો સમય થાય છે. સોશિયલ મીડિયા આજકાલ છૂટાછેડાના વધતા જતા કેસો માટે સૌથી વધુ જવાબદાર હોય એવું લાગી રહ્યું છે.’ એષા દાદાવાલાએ કહ્યું હતું કે, ‘ભગવદ્ ગીતામાંથી આપણને આપણા પ્રશ્નોનું સમાધાન ચોક્કસ મળે છે, પરંતુ 'હું' સુધી પહોંચવું હશે તો આપણે આપણી પોતાની એક ભગવદ્ ગીતા લખવી પડશે. તો જ એ આપણને આપણા 'હું' સુધી લઈ જશે.

આપણી જાત સુધી પહોંચવાનો કોઈ ગૂગલ મેપ નથી.’ વ્યાખ્યાનમાળાના શરૂઆતમાં કૃષ્ણકાન્તભાઈ જહાએ સ્વાગત ઉદબોધનની સાથે વ્યાખ્યાનમાળાની પ્રસ્તાવના કહી હતી. ડૉ. નિમિત ઓઝાએ કહ્યું હતું કે, ‘તમે ત્રણ મહિનાની રજા લઈને પ્રવાસ પર નીકળી જાઓ કે, હવે તો જાતને શોધીને જ પાછું ફરવું છે. તો સફરની ધૂળ સિવાય બીજું કશું જ હાથમાં નહીં આવે. તમે 15-20 સેલ્ફ હેલ્પ બુકનો ઢગલો કરી દો, એ વાંચવાથી જાતને નહીં ખોજી શકાય, નહીં શોધી શકાય. કારણ કે, પ્રવાસ અને પુસ્તકો જાતને સમજવામાં મદદ કરે છે, જાતને શોધવામાં નહીં.

જાતને શોધવાની એક જ પ્રક્રિયા છે, અને તે છે પ્રતીતિ-રીયલાઈઝેશન. અને એ અનુભવોમાંથી આવે છે, અને અનુભવો રિજેક્શનમાંથી, નિષ્ફળતામાંથી, હાર્ટબ્રેકમાંથી આવે છે.’રાજેન્દ્ર શુક્લએ 'હું મને શોધું છું' વિષય સંદર્ભે બોલતાં કહ્યું હતું કે, ‘આપણી અન્ય કેન્દ્રીતા એટલી બધી છે કે, 'સ્વ' ની નજીક જવું અઘરું થતું જાય છે. એટલે જે નડે છે એ બહિર્મુખતા છે. આપણને પામવામાં મોટામાં મોટું વ્યવધાન આપણી બહિર્મુખતા છે. અંતર્મુખતા એ મોટામાં મોટું સાધન છે, કે એના દ્વારા 'સ્વ' ની પ્રાપ્તિ થઈ શકે તો થઈ શકે. એટલે આમ તો કંઈ જ કરવાનું નથી. જેની શોધ છે એની તમને ખબર પડવી જોઈએ એટલી જ આ વાત છે.’

અન્ય સમાચારો પણ છે...