ગ્રામ્ય વિસ્તારની એકપણ વ્યક્તિ કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાથી વંચિત રહે નહી તે માટે એક યાદી તૈયાર કરીને 100 ટકા કામગીરી કરવા કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે દિશાની બેઠકમાં સુચના આપી હતી. ઉપરાંત કેન્સરના સર્વે અને સ્ક્રિનિંગની કામગીરીમાં 1.94 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી આપવામાં આવી હતી.
જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી-દિશાની બેઠક મળી હતી. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની કામગીરીની માહિતી મેળવી હતી.
તેમાં જાન્યુઆરીથી માર્ચ-2023 સુધીમાં 59 હજારથી વધુ એલપીજી સિલિન્ડર વિના મૂલ્યે રીફીલીંગ કરી આપવામાં આવ્યા છે. એનએફએસએ યોજના અને પીએમજીકેવાય યોજના અંતર્ગત 95 ટકા કામગીરી કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 100 ટકા શૌચાલય બનાવવામાં આવ્યા છે.
નલ સે જલ યોજના અંતર્ગત 100 ટકા નળ જોડાણથી ગુજરાતમાં ગાંધીનગર પ્રથમ જિલ્લો બન્યો બન્યો છે. જ્યારે કેન્સરના સર્વે માટે સ્ક્રિનિંગ અને સારવાર અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં 1.49 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં 76 અમૃત સરોવરમાંથી 41 સરોવરનું કામ પૂર્ણ કરાયું છે. પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધામંત્રી મુદ્રા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાની જાણકારી મેળવી હતી. જોકે રાજ્ય કે કેન્દ્ર સરકારની એકપણ યોજનાથી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લાભાન્વિત પરિવારો રહે નહી તે માટે યાદી તૈયાર કરીને 100 ટકા કામગીરી કરવા કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે સુચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.