ગુજરાતના રાજકારણમાં રાજકીય યાત્રાઓ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે, અડવાણી અને નરેન્દ્ર મોદીની યાત્રાઓ તેનો સજ્જડ પૂરાવો છે. પરંતુ આ યાત્રાઓમાં ચોક્કસ ચહેરો આગેવાન તરીકે રહેતો તેને બદલે ભાજપના હાઇકમાન્ડે નવો વ્યૂહ અપનાવ્યો છે. યાત્રાની રણનીતિ તે જ છે, પરંતુ કોઇ એક ચહેરો નહીં હોય. સોમવારથી નરેન્દ્ર મોદીની કેબિનેટના પાંચ ગુજરાતી મંત્રીઓની રાજ્યવ્યાપી યાત્રા શરૂ થઇ રહી છે અને વિધાનસભા ચૂંટણી પહેલાં તેને સાંકેતિક મનાય છે.
ભાજપના એક અતિ વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ ચૂંટણીની તૈયારી રૂપે જ કેન્દ્રીય મંત્રીઓ અહીં યાત્રા કરી રહ્યા છે. આ મંત્રીઓ લોક સંપર્ક માટે જશે પરંતુ કોઇ એક નેતા તમામ જિલ્લાઓનો પ્રવાસ કરવાના નથી. આથી વાત સ્પષ્ટ છે કે પ્રદેશ સ્તરના કોઇ નેતાને હાઇકમાન્ડ વધુ મહત્ત્વ આપી નથી રહ્યું.
કેબિનેટ મંત્રીઓ પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા તથા રાજ્યમંત્રીઓ દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો. મહેન્દ્ર મુંજપરાનો પ્રવાસ એ રીતે ગોઠવાયો છે કે તેઓ તેમની ચોક્કસ જ્ઞાતિના લોકોની વચ્ચે જશે, જેમાં કડવા-લેઉવા પાટીદાર, કોળી તથા ઠાકોર અન્ય ઓબીસી સમાજના ધાર્મિક સ્થળોની મુલાકાત થકી સમાજના લોકોને મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.