મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને વધુ કોઇ મુદતનો વધારો નહીં આપે. આ મહિનાના અંતમાં પંકજકુમારને મળેલો છ મહિનાનો મુદત વધારો પૂર્ણ થવા જઇ રહ્યો છે. પહેલી ફેબ્રુઆરીથી નવા મુખ્ય સચિવ તરીકે વર્તમાન ગૃહસચિવ રાજકુમાર સ્થાન લઇ લેશે તેવી સ્પષ્ટ વાત સચિવાલયના સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.
ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે કે એક મુદત વધારો અપાયા બાદ પંકજકુમારને બીજો મુદત વધારો મળી રહ્યો નથી. તેઓ હાલ સરકારમાં પણ જે પ્રકારે કામ કરી રહ્યા છે તે દર્શાવે છે કે તેઓ 31 જાન્યુઆરીએ વિદાય લેશે. રાજકુમારને મુખ્ય સચિવ બનાવાશે તેથી તેમના સિનિયર અને પંકજકુમારના બેચ મેટ તથા પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા સુપરસીડ થશે અને તેમને રાજ્ય સરકારના કોઇ મોટા બોર્ડ-નિગમમાં મૂકવામાં આવશે.
આ અગાઉ ગત નવેમ્બર 2021માં રાજકુમારને કેન્દ્ર સરકારના સંરક્ષણ સચિવ પદેથી ગુજરાતમાં પરત મોકલાયા હતા. તે જ વખતે 1987 બેચના આઇએએસ રાજકુમાર પંકજકુમાર બાદ મુખ્ય સચિવ બનશે તેવી ચર્ચા હતી. તે પછી 31 મે, 2022ના રોજ પંકજકુમાર સેવાનિવૃત્ત થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને આઠ મહિનાનો મુદત વધારો આપ્યો હતો.આઇઆઇટી, કાનપુરમાંથી સ્નાતક થયેલા રાજકુમારે ટોક્યોમાંથી પબ્લિક પોલિસીના વિષય સાથે અનુસ્નાતકની પદવી મેળવેલી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.