માલધારી મહા પંચાયત:ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે CMએ આપેલા સમયમાં કોઈ પગલાં નહીં લેવાતાં આંદોલનની તૈયારી, દહેગામનાં ઝાંક ખાતે માલધારીઓ ભેગા થશે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • આગામી રવિવારે દહેગામનાં ઝાંક ગામે મહાપંચાયતમાં રણનીતિ ઘડી આંદોલનને વેગવંતુ કરાશે
  • મુખ્યમંત્રીએ ઢોર નિયંત્રણ બિલ મુદ્દે 15 દિવસમાં ઘટતી કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી

ગુજરાત વિધાનસભામાં બહુમતીના જોરે ઢોર નિયંત્રણ બિલ પસાર કરવામાં આવતાં જ આ કાળા કાયદાના વિરોધમાં રાજ્યભરના માલધારી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે મુખ્યમંત્રીએ 15 દિવસમાં ઘટતી કાર્યવાહી કરવાની બાંહેધરી આપતાં માલધારીઓએ આંદોલન સમેટી લીધું હતું. ત્યારે 15 દિવસની સમય મર્યાદા પણ પૂર્ણ થવા છતાં હજી સુધી હકારાત્મક નિર્ણય નહીં આવતાં આગામી રવિવારે દહેગામનાં ઝાંક ગામે માલધારી મહાપંચાયતમાં રણનીતિ ઘડી આંદોલનને વેગવંતુ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં શહેરી વિસ્તાર નિયંત્રણ રાખવા અને ફેરફાર કરવા બાબતના અધિનિયમ 2022નો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે બાબતે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ પ્રમાણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકામાં આ કાયદો લાગુ કરવામાં આવશે. આ પશુ પાલકોને લાયસન્સ લેવું ફરજિયાત રહેશે, તેમજ લાયસન્સ વાળી જગ્યા પણ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઇન્સ્પેક્ટર અથવા તો સમકક્ષ અધિકારીઓની નિમણૂંક કરીને તેને સમયસર ચકાસવામાં પણ આવશે.

આ મુદ્દે માલધારી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ભૂતકાળમાં ગાંધીનગરના ટીટોડા ગામમાં મળેલી માલધારી સમાજની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડ અને રઘુ દેસાઈ હાજર રહ્યા હતા અને આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. ઉપરાંત માલધારીઓની માંગણી હતી કે, સરકાર નવો કાયદો લાવે તે પહેલા પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. રાજ્યમાં 2303 ગામમાં એક પણ ગૌચર માટેની જમીન જ નથી. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં વિગતો સામે આવી છે કે, 9029 ગામમાં લઘુત્તમ કરતા પણ ખૂબ જ ઓછુ ગૌચર છે. આ સાથે જ માલધારી સમાજ દ્વારા ગૌચર જમીનની માંગ કરી આંદોલન છેડવામાં આવ્યું હતું.

બીજી તરફ રખડતાં ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે ગુજરાતભરમાં માલધારી સમાજ રસ્તા પર ઉતરતાં માલધારી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ 15 દિવસની અંદર યોગ્ય નિર્ણય લઈ હકારાત્મક વલણ અપનાવવામાં આવતાં માલધારીઓએ આંદોલન સમેટી લીધું હતું. જો કે 15 દિવસની સમય મર્યાદા વીતી ગઈ હોવા છતાં હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ અંગે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા 15 દિવસની મુદત પુરી થવા છતા કાયદા માટે કોઇ નિર્ણાયક પગલાં લેવાયા નથી. જેના પગલે કાયદાના વિરોધમાં આગળની રણનીતિ ઘડવા માટે 8મી તારીખ અને રવિવારે દહેગામના ઝાંક ગામે માલધારી મહાપંચાયત યોજવામાં આવશે. જેમાં માલધારી સમાજના ધાર્મિક,રાજકીય અને સામાજીક આગેવાનોને ઉપસ્થિતિ રહેવા આહ્વાન છે.

અન્ય સમાચારો પણ છે...