મોદી-પટેલની ‘ચાય પે ચર્ચા’:નીતિન પટેલની દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે ઓચિંતી મુલાકાત, કોઈ મહત્ત્વની જવાબદારી સોંપાવાની શક્યતા

ગાંધીનગરએક મહિનો પહેલા
નરેન્દ્ર મોદી અને નીતિન પટેલની તસવીર.
  • પટેલે કહ્યું, લગભગ 40 મિનિટ સાથે બેઠા અને ઘણી ચર્ચાઓ કરી

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અચાનક મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ નીતિન પટેલે મોદી સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા. આ મુલાકાતના ફોટોગ્રાફ્સમાં મોદી અને પટેલ બન્ને પ્રસન્ન મુખમુદ્રામાં જણાયા છે. આ મુલાકાત બાદ એવી ચર્ચા વહેતી થઇ છે કે નીતિન પટેલને નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર તરફથી કોઈ મહત્ત્વની જવાબદારી આપી શકે છે.

અગાઉ સરકારમાંથી રાજીનામું આપ્યું એ વખતે નીતિન પટેલને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવશે એવી વાતો વહેતી થઇ હતી, પરંતુ એવી કોઇ બાબત થઇ ન હતી. જોકે આ મુલાકાત બાદ એવી વાત પણ જાણવામાં આવી છે કે તેઓ નીતિન પટેલને કેન્દ્ર સરકારના મહત્ત્વના વિભાગ કે કચેરીમાં હોદ્દો આપે એવી શક્યતા છે. આ મુલાકાત બાદ દિવ્ય ભાસ્કરે નીતિન પટેલ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ તદ્દન ઔપચારિક મુલાકાત હતી.

અઠવાડિયા પહેલાં મેં વડાપ્રધાનનો સમય માગ્યો હતો અને તેમણે મને મળવા બોલાવ્યો હતો. અમે બન્નેએ 40 મિનિટ સુધી અલગ અલગ બાબતો પર ચર્ચા કરી હતી અને ઘણી જૂની અને નવી વાતો અંગે અમારી વચ્ચે ચર્ચા થઇ હતી.