તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી કેવી રીતે મળશે?:વેક્સિનેશન માટે 47796 સેન્ટર, રસી મૂકવા 15534 ટીમો તૈયાર, પ્રથમ તબક્કે 3.96 લાખ હેલ્થ વર્કર્સને રસી મુકાશેઃ નીતિન પટેલ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારીખ, સમય અને કયા સ્થળે રસી અપાશે તેની જાણકારી નાગરિકોને SMSથી કરવામાં આવશે
  • તબક્કાવાર રાજ્યના તમામ નાગરિકોને રસી મળશે - નીતિન પટેલ
  • માઈનસ 25 ડિગ્રી સુધીના ટેમ્પરેચરમાં રસીના સ્ટોરેજ માટે 6 ઝોનમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધઃ ટ્રાન્સપોર્ટેશન માટેના વાહનો પણ સજ્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોનાની રસી કેટલાક સપ્તાહમાં આવશે તેની જાહેરાત બાદ વેક્સિનેશન માટે ગુજરાત સરકાર રાજ્યમાં તમામ રીતે સજ્જ બની છે. પ્રથમ તબક્કે 3.96 લાખ હેલ્થ વર્કર્સને રસી મુકાશે. પછી તબક્કાવાર તમામ નાગરિકોને રસી અપાશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. મતદાન માટેના પોલિંગબૂથની જેમ 47796 વેક્સિનેશન સેન્ટરો તથા વેક્સિન આપવા 15534 કર્મચારીઓની ટીમ બનાવાઇ છે.

41 જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા
નીતિન પટેલે કહ્યું કે, વેક્સિનેશન માટે 33 જિલ્લા, તમામ તાલુકા, 8 મહાનગરપાલિકામાં ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે. સૌથી મોટો પ્રશ્ન ઠંડા વાતાવરણમાં વેક્સિન રાખવી જરૂરી છે, જેથી સરકારે 6 ઝોનમાં મોટા કોલ્ડ સ્ટોરેજ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને રાજકોટમાં રખાયા છે. આ સિવાય 41 જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં પણ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરી છે.

નાગરિકોને SMSથી જાણ કરશે
પીએચસી, સીએચસીમાં રેફ્રિજરેટર અને અન્ય સાધનોની વ્યવસ્થા છે. દૂરના વિસ્તારમાં વેક્સિન પહોંચાડવા માટે ભારત સરકાર તરફથી બે નવા વોક-ઇન કૂલર પ્રાપ્ત થશે. 169 આઇસલેન્ડ રેફ્રિજરેટર, 30 ડીપ ફ્રિજ પણ ભારત સરકાર અપાશે. હાલ 150 રેફ્રિજરેટર પ્રાપ્ત થઇ ચૂક્યાં છે. નાગરિકોને કયા તારીખ, સમય અને સ્થળે રસી મૂકાવવા માટે આવવાનું છે, તેની જાણ તેમને એસએમએસ દ્વારા કરાશે. આ માટેની સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે.

રસીના દર અંગે હજુ સુધી કોઇ નિર્ણય નહી
પટેલે કહ્યું કે રસીનો દર કેટલો હશે, લોકો પાસેથી ચાર્જ લેવાશે કે નહીં? તેનો નિર્ણય લેવાયો નથી. પરંતુ સરકારી કર્મચારીઓ કે જેઓ કોરોના વોરિયર્સ તરીકે સેવા કરે છે, તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે. વેક્સિનેશનની કામગીરી રાજ્ય સરકારના બજેટમાંથી કે ખાસ ફંડ ઉભું કરીને પૂર્ણ કરાશે.

50 વર્ષ ઉપરનાનો ડેટા મતદાર યાદીમાંથી લેવાશે
બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને પણ રસી મૂકવામાં આવનાર છે. જેનો ડેટાબેઝ તૈયાર કરવા માટે મતદાર યાદીની મદદ લેવાશે. નીતિન પટેલે કહ્યું કે, મતદાર યાદીનો આધાર લેવા માટે અમે કેન્દ્રિય ચૂંટણી પંચ પાસે મંજૂરી માગી છે.

ટ્રાયલમાં 100ને રસી મૂકાઇ, આડઅસર નહીં
નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં ટ્રાયલ વેક્સિન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 100 વોલન્ટિયર્સને રસી મૂકાઇ છે. જેમાંના કોઇને પણ કોઇ પ્રકારની આડઅસર થઇ નથી.

સ્થાનિક વાતાવરણને અનુકૂળ રસી મળશે
ફાયઝર કંપનીની રસીના સ્ટોરેજ માટે -70 ડિગ્રી તાપમાન જરૂરી છે, અને ગુજરાત પાસે મહત્તમ -25 ડિગ્રી સુધીના સ્ટોરેજની ક્ષમતા છે. અા અંગેના પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે, આપણી વ્યવસ્થા, હવામાન પ્રમાણેની રસી આપણે ઉપયોગમાં લઇશું.

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવમાં આવ્યા છે તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બે વધારાના વોક-ઇન કુલર, એક વોન ઇન ફ્રી અને ૧૬૯ આઇસલાઇન્ડ રેફ્રીજરેટર પૈકી ૧૫૦ જેટલા આઇસલાઇન્ડ રેફ્રીજરેટર મળી ગયા છે. ૩૦ ડીપ ફ્રીઝ કેન્દ્ર સરકારમાંથી પ્રાપ્ત થશે.

તેમણે ઉમેર્યુ કે, ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના ૨.૭૧ લાખ આરોગ્યકર્મીઓ અને ૧.૨૫ લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ ૩.૯૬ લાખ હેલ્થકેર વર્કસની માહિતી એકત્ર કરવામાં આવી છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર જેવા કે હોમગાર્ડ્સ, પોલીસ, સફાઇકર્મી વિગેરેને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ બીજા વિભાગના ફ્રન્ટ લાઇન વર્કરોની માહિતી તૈયાર કરવા કમિટિની રચના કરવા જણાવાયું છે. ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા સીનીયર સીટીઝનની માહિતી પણ તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કોવિડ વેક્સિન અને લાભાર્થીના ચેકીંગ માટે ભારત સરકાર દ્વારા cowin software બનાવવામાં આવ્યું છે. જિલ્લા અને કોર્પોરેશન દ્વારા પણ આ સોફ્ટવેરમાં રસીકરણના સ્થળ અને વેક્સિનેટરની માહિતીની એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને અગ્રીમતાના ધોરણે રસી આપવાનું નક્કી કરાયું છે અને તેના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલો, કોર્પોરેટ હોસ્પિટલ, આષુષ દવાખાના અને હોસ્પિટલ, ડેન્ટીસ્ટ, એલોપેથી/આયુષ, જનરલ પ્રેક્ટિસનર્સ, તમામની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યની ૧૦૮ એમબ્યુલન્સ સેવા, આંગણવાડી સ્ટાફને પણ આવરી લેવામાં આવનાર છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રસીકરણની કામગીરી માટે રાજ્યમાં ૪૭૭૯૬ વેક્સીનેશન સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આ માટે ૧૫૫૩૪ ટીમો પણ તૈનાત કરવામાં આવશે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ રસી આપવા માટે તમામ આરોગ્ય કર્મીઓને જરૂરીયાત મુજબ તાલીમબધ્ધ કરાશે. જે નાગરિકોને રસી આપવાની થશે તેમને અગાઉથી એસ.એમ.એસ. દ્વારા જાણ કરી સ્થળ-સમય-તારીખની રાજ્ય સરકાર દ્વારા સામેથી જાણ કરાશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રસીકરણના મોનીટરીંગ માટે રાજ્યકક્ષાએ મીશન ડાયરેકટર એન.એચ.એમ. ને નોડલ ઓફિસર તરીકે નીમી દેવાયા છે. જ્યારે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનર નોડલ અધિકારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએ મુખ્ય સચિવના અધ્યક્ષે કાર્યક્રમની પ્રગતિનો રીવ્યુ કરાશે તથા આરોગ્ય સચિવના અધ્યક્ષમાં સ્ટેટ ટાસ્ક ફોર્સની રચના કરી દેવાઇ છે. આ કમિટિ રસીકરણ અંગે સતત મોનીટરીંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...