ભાસ્કર વિશેષ:શ્રીનગરમાં 49.21 એકરમાં NFSUનું કૅમ્પસ બનશે અમિત શાહ આજે ભૂમિપૂજન-શિલાન્યાસ કરશે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીના અમૃત મહોત્સવ તથા ત્રિપુરાની સ્થાપનાનાં 50 વર્ષ નિમિત્તે આયોજન

રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નું ત્રિપુરામાં રાધાનગર તથા શ્રીનગરમાં કૅમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બંને કૅમ્પસનું વિધિવત્ ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ દેશમાં વધુ એક સ્થાયી કૅમ્પસનું ભૂમિપૂજન થશે. અત્યારે ગુજરાત ઉપરાંત, દિલ્હી, ગોવા અને ત્રિપુરા ખાતે પણ વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છે.

મંગળવારે ત્રિપુરાના રાધાનગર સ્થિત NFSUના અસ્થાયી કૅમ્પસનું ઉદ્્ઘાટન થશે ત્યાર બાદ ત્રિપુરા સરકાર દ્વારા શ્રીનગર ખાતે અપાયેલી વિશાળ 49.21 એકર જગ્યામાં NFSUના સ્થાયી કૅમ્પસનું ‘વિધિવત્ ભૂમિપૂજન-શિલાન્યાસ’ કેન્દ્રીય મંત્રી અમિત શાહ કરશે. ભૂમિપૂજન બાદ શાહ વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે આયોજિત સભાને સંબોધશે. “આઝાદી કા અમૃત મહોત્સવ” અને “ત્રિપુરા રાજ્યની સ્થાપનાનાં 50 વર્ષ”ની ઉજવણીના અવસરે આ વિશિષ્ટ આયોજન થઈ રહ્યું છે. NFSUનું આ ‘ત્રિપુરા કેમ્પસ’ સ્થાનિક સ્તરે ન્યાય વિતરણ પ્રણાલીને ઝડપી બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપશે. જે અંતર્ગત ફોરેન્સિક વિજ્ઞાનના પ્રશિક્ષણ દ્વારા સ્થાનિક સ્તરે ગુના નિવારણ, ગુનામાં ઘટાડો લાવવા તથા ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ ઉપલબ્ધ બનશે. જેનાથી સામાન્ય લોકોના પ્રશ્નોનો ઝડપથી અને સંતોષકારક રીતે ઉકેલ લાવી શકાશે.

શૈક્ષણિક વર્ષ-2021-22માં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા ત્રિપુરા કેમ્પસમાં બે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. સમારોહમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક, ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી જિષ્ણુદેવ વર્મા ઉપરાંત NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસ, NFSU-ત્રિપુરાના કૅમ્પસ ડાયરેક્ટર ડો. હેમંત કે. પ્રતિહારી સહિત વિવિધ ક્ષેત્રના અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...