તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂ. 4.3 કરોડની છેતરપિંડી:ગુજરાતના IAS કૈલાસનાથનના નામે ચીટિંગ કરનાર ન્યૂઝ ચેનલના સંચાલકની ધરપકડ, વડોદરાના જમીન-દલાલને ફસાવ્યો

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર સરગાસણ ખાતેની ઓફિસ સંદર્ભે નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ બાદ અનેક ખુલાસા
  • નેટવર્ક ન્યૂઝ ચેનલના સંચાલક વિજય સિંહ ટાંકની ધરપકડ કરી લઈ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા
  • સમગ્ર ગુનાનો સિલસિલાબંધ રીતે પર્દાફાશ કરવાની ક્રાઇમ બ્રાંચે તૈયારીઓ શરૂ કરી

નેટવર્ક ન્યૂઝ નામની ચેનલના ઓથાર હેઠળ ગાંધીનગર સરગાસણ ખાતેની ઓફિસ પચાવી પાડવા સંદર્ભે નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા માલિક વિજય સિંહ હરિસિંહ ટાંકની ધરપકડ કરાતાં તેણે અપહરણ અને લૂંટનાં ગુના આચરી સાડાચાર કરોડનું ફુલેકું ફેરવ્યાનું ખૂલવા પામ્યું હતું. ત્યારે વડોદરાના જમીન-દલાલને નકલી આઈ.એ.એસ. અધિકારી કૈલાસનાથન અને અલોરિયા સાથે સેટિંગ હોવાની માયાજાળમાં ફસાવીને વધુ રૂ. 4.3 કરોડની છેતરપિંડી આચરવાના પ્રકરણમાં પણ ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા નેટવર્ક ન્યૂઝ ચેનલના સંચાલક વિજય સિંહ ટાંકની ધરપકડ કરી લઈ 3 દિવસના રિમાન્ડ મેળવી સમગ્ર ગુનાનો સિલસિલાબંધ રીતે પર્દાફાશ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

નકલી IAS અધિકારી બની જમીન ક્લિયર કરાવી આપવાની વાત કરી

સરકારી જમીન ક્લિયર કરાવીને જમીન લેતીદેતીનું કામ કરતા વડોદરાના એક દલાલને ગાંધીનગરના ગઠિયાએ ટોચના નકલી આઈએએસ અધિકારી બનીને જમીન સરકારી રેકોર્ડમાંથી ક્લિયર કરાવવાના નામે રુ. 4.3 કરોડની ટોપી પહેરાવી દીધી હતી. હદ તો ત્યારે થઈ આ ગઠિયાએ જમીન-દલાલને કૈલાસનાથન અને અલોરિયા બે ટોચના આઈએએસ અધિકારી છે એમ કહીને પોતાના મળતિયાઓ સાથે મુલાકાત કરાવી બાટલીમાં ઉતાર્યો હતો, જેમાં એક વ્યક્તિ તો રાજ્યના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરીના નામે મળી હતી.

મોટી મોટી વાતો કરીને જમીન-દલાલને ફસાવ્યા

વડોદરાના 55 વર્ષના અનિલ પટેલ તેના બંને દીકરા જમીનની લેતીદેતીનું કામ કરે છે, જે અંતર્ગત તેમણે રાજ્ય સરકારના 1976ના અર્બન લેન્ડ સીલિંગ એક્ટ હેટળ સરકારે મેળવેલી જમીનોને ફરી ક્લિયર કરાવવા માટે કેટલાક સોદા કર્યા હતા. જોકે આ જમીનો ક્લિયર થઈ રહી નહોતી અને પટેલને પોતાને હવે લાગતું હતું કે કોઈ પહોંચેલી વ્યક્તિની મદદ આ કામ માટે જરુર પડશે. આ દરમિયાન 2016માં એક સંગીત કાર્યક્રમમાં તેમના કોમન ફ્રેન્ડ દ્વારા ગાંધીનગરના રાયસણમાં રહેતા અને નેટવર્ક ન્યૂઝ ચેનલના વિજયસિંહ ટાંક સાથે તેમની મુલાકાત થઈ હતી અને જ્યારે તેમણે જમીન બાબતે વાત કરી તો વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા વિજયસિંહે પોતાની પહોંચની મોટી મોટી વાતો કરીને અનિલ પટેલને આંજી નાખ્યા હતા.

જૂન 2016માં IAS સાથે મુલાકાત કરાવવા ગાંધીનગર બોલાવ્યા

જૂન 2016માં એક દિવસ વિજયસિંહે અનિલ પટેલને ફોન કર્યો અને તેમની જમીન બાબતે એક ટોચના આઈએએસ સાથે મુલાકાત માટે ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં બોલાવ્યા હતા. પટેલ જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમણે એક બ્લૂ બ્લેઝર અને ટાઈ સાથે એટીકેટીમાં રહેલી વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને કહ્યું હતું કે તેઓ રાજ્ય સરકારમાં ટોચના આઈએએસ અધિકારી છે. પટેલે પોતાની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેણે અધિકારી સાથે પોતાની જમીન અંગે વાતચીત કરી અને તેમણે સોદો નક્કી કર્યો જે બાદ ત્યારે જ રુ. 7 લાખ પેલા નકલી આઈએએસ અધિકારીએ તેમની પાસેથી ડાયરેક્ટ લીધા હતા, જ્યારે રુ. 25 લાખ ટાંક મારફત તેમને પહોંચાડ્યા હતા.

જુલાઈમાં પૂર્વ ચીફ સેક્રેટરીના નામે ઓળખ આપી મુલાકાત કરાવી

જુલાઈ મહિનામાં ફરી એકવાર ટાંકે પટેલને બોલાવ્યા અને આ વખતે પૂર્વ ચીફ સેક્રેટરી કૈલાસનાથન તરીકે ઓળખ આપીને એક વ્યક્તિને મળાવી હતી, જેણે પણ કામ કરી દેવા માટે રુપિયા માગ્યા હતા. બાદમાં ટાંક અને તેના મળતિયાઓ બંને નકલી આઈએએસ અધિકારીને ચાર મહિનામાં કુલ મળીને રુ. 4.3 કરોડ જેટલી રકમ ચૂકવી હતી. એ બાદ સપ્ટેમ્બર 2016માં પટેલને રેવન્યુ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે જે-તે જમીન હવે સરકારી રેકોર્ડનો ભાગ નથી. જોકે જ્યારે તેઓ આ સેક્શન લેટર લઈને વડોદરાની અર્બલ લેન્ડ સીલિંગ ઓફિસ પહોંચ્યા તો અધિકારીએ પટેલને કહ્યું હતું કે આ લેટર નકલી છે. અધિકારીએ કહ્યું હતું કે જે જમીન ક્લિયર કરવાની વાત આ લેટરમાં કરવામાં આવી છે એ અરજીને હાલમાં જ સરકારે નકારી કાઢી છે.

છેતરપિંડી થયાની જાણ થતાં ફરિયાદ કરી

આ ઘટના પછી પટેલે ટાંકને ફોન કર્યો તો તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું તેમજ કોઈપણ પ્રકારના સંપર્કને પણ તોડી નાખ્યા હતા. જોકે આ ઘટના પછી પટેલે રુપિયાથી હાથ ધોવાઈ ગયા તેમ માની લીધું હતું, પરંતુ તાજેતરમાં તેમની મુલાકાત સુરતના વકીલ મુકેશ મેઘાણી સાથે થઈ હતી, જેમની સાથે પણ ટાંકે બે નકલી આઈએએસ અધિકારી સાથે મળી ચીટિંગ કર્યું હતું. એ બાદ પટેલે તેમના ફોન કોલના વોઇસ રેકોર્ડિંગને ભેગા કર્યા અને ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

આરોપીને સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયો

આ અંગે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર એચ. પી.ઝાલાએ જણાવ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગના ગુનામાં વિજયસિંહ ટાંકના રિમાન્ડ પૂર્ણ થતાં તેને સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ત્યારે તાજેતરમાં તેની વિરુદ્ધ રૂ. 4.3 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ હતી, જેમાં આઈએએસ અધિકારી કૈલાસનાથન અને અલોરિયા બે ઉચ્ચ અધિકારીની માયાજાળ ઊભી કરી તેના મળતિયાઓ સાથે મળી ઉક્ત ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેને પગલે આ ગુનામાં પણ વિજય સિંહ ટાંકની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જેની પૂછપરછ પછી જ નકલી આઈએએસ અધિકારી બનનાર બન્ને ઈસમોની માયાઝાળનો પર્દાફાશ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...