હાથફેરો:ગાંધીનગરમાં રહેતી ગુજરાતી અભિનેત્રી મૌલિકા પટેલના બંગલામાંથી ચોરી કરી નેપાળી ઘરઘાટી દંપતિ ફરાર

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી - Divya Bhaskar
સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી
  • 'ત્રણ ડોબા, કમિટમેન્ટ અને દાવ થઈ ગયો'ની અભિનેત્રીના ઘરે 5.47 લાખની ચોરી

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મૌલિકા પટેલના સેક્ટર-8માં આવેલ બંગલામાં કામ કરતા નેપાળી દંપતિએ મધરાત્રે સોનાના દાગીના રોકડ રકમ, ઓસ્ટ્રેલિયા-ઈજિપ્ત અને યુએસ ડોલર સહિત રૂ. 5.47 લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ જતા ગાંધીનગર સેક્ટર-7 પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કવોડને બોલાવી તપાસનો દોર શરૂ કર્યો છે.

ગાંધીનગરના સેક્ટર-8 બી પ્લોટ નંબર 325 ખાતે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મૌલિકા પટેલ રહે છે. ગઈકાલે મૌલિકા શૂટિંગના કામ અર્થે મુંબઈ ગઈ હતી, ત્યારે તેનો ભાઇ જનક તેના પુત્રને તાવ આવ્યો હોવાથી સેક્ટર-3માં તેની સાસરીમાં રોકાઈ ગયો હતો. વૃદ્ધ દંપતી ઘરમાં એકલાં જ હતાં જેનો લાભ ઉઠાવીને મધરાતે નેપાળનું ઘરઘાટી દંપતિ મૌલિકા અને જનકના રૂમના કબાટના તાળા તોડી ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયું હતું.

ઓસ્ટ્રેલિયા-ઈજિપ્ત અને યુએસ ડોલર સહિત રૂ. 5.47 લાખની ચોરી
ઓસ્ટ્રેલિયા-ઈજિપ્ત અને યુએસ ડોલર સહિત રૂ. 5.47 લાખની ચોરી

બે દિવસ અગાઉ જ નેપાળી દંપતિને ઘરઘાટી તરીકે રાખ્યા હતા
મૌલિકાના 62 વર્ષીય માતા અલકાબેને જણાવ્યું હતું કે, છેલ્લા દસેક વર્ષથી બંગલામાં પહેલાં ડુંગરપુરને હાલ ઇન્દ્રોડામાં રહેતું દંપતિ ઘરઘાટી તરીકે કામ કરતું હતું. પરંતુ તેમણે નોકરી છોડી દેતા કામની અગવડ પડતી હતી આથી વૃદ્ધ માતા-પિતાને ઘરના દૈનિક કાર્યોમાં તકલીફ પડતી હોવાથી મૌલિકાએ અમદાવાદના તેના એક ઓળખીતાને ઘરઘાટી રાખવાની વાત કરી હતી. જેમની ભલામણથી નેપાળના ભરત અને લક્ષ્મીને કામ અર્થે રાખ્યા હતા અને ઘરઘાટી દંપતિને બંગલાની પાછળ રહેવા માટે ફાઇબર શેડ વાળી ઓરડી પણ આપી હતી. જોકે ઘરઘાટીને નાવા ધોવા માટે તકલીફ ના પડે તે માટે રસોડાનો દરવાજો ખુલ્લો રાખવામાં આવતો હતો.

નેપાળી ઘરઘાટી પર વિશ્વાસ મૂક્યો ને પસ્તાયા
મૌલિકા પટેલનાં અમદાવાદના એક ઓળખીતાના રેફરન્સથી નેપાળી દંપતિ ઘરઘાટી તરીકે આવ્યું હોવાથી પરિવારે વિશ્વાસ રાખ્યો હતો. જોકે, મૌલિકા મુંબઈ ગયેલી અને જનક સેક્ટર-3 માં સાસરીએ ગયો હતો ત્યારે વૃદ્ધ દંપતી બંગલામાં એકલાં જ હતાં. ગઈકાલે વૃદ્ધ દંપતી બંગલાના મુખ્ય રૂમમાં સુઈ ગયા હતા ત્યારે ઘરઘાટી ભરતે આવીને પૂછેલું કે સવારે કેટલા વાગે ઉઠાડવા માટે આવું? બાદમાં મોડી રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં અલકાબેનની આંખ અચાનક ખુલ્લી ગઈ હતી ત્યારે કામવાળી લક્ષ્મીનો પડછાયો પણ જોયો હતો જેથી તે લઘુશંકા માટે ઉઠી હશે એમ માનીને અલકાબેન પાછા સૂઈ ગયા હતા અને રાત્રે ફરી 2:30 વાગે અલકાબેનની આંખ ખુલી અને મૌલિકા તથા જનકના રૂમનાં કબાટના સામાન વેરવિખેર જોઈ પતિને જગાડ્યા હતા, પરંતુ બન્નેને ડિપ્રેશનની દવા ચાલતી હોવાથી પાછા સૂઈ ગયા હતા. સવારે સાડા સાતના અરસામાં મૌલિકા ઘરે પરત આવી ત્યારે સામાન વેરવિખેર જણાયો હતો. ઘરમાં સામાનની ચકાસણી કરતાં, ચાંદીની લગડી, સોનાના દાગીના, ઓસ્ટ્રેલિયા-ઈજિપ્ત અને યુએસની કરસન્સી તથા રોકડ સહિત કુલ રૂ.5.47 લાખની ચોરી થઈ હતી. પરિવારને ઘરઘાટી બાબતે નામ સિવાય કોઈ જાણકારી નથી.

રાત્રે વૃધ્ધ દંપતિ ઘરમાં એકલા હોવાથી ઘરઘાટીએ તકનો લાભ લીધો
રાત્રે વૃધ્ધ દંપતિ ઘરમાં એકલા હોવાથી ઘરઘાટીએ તકનો લાભ લીધો

સવારે લગ્ન પ્રસંગે જવાનું હોય 500-500ની નોટોના કવર બનાવ્યા હતા
વૃદ્ધ દંપતીને મહેસાણા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે જવાનું હોવાથી મૌલિકાના પિતાએ 500-500ની નોટોના જુદા જુદા કવર બનાવ્યા હતા તે પણ ઘરઘાટી ચોરીને લઈ ગયા છે. 20-20ની નોટોના બે બંડળ પણ ચોરીને લઈ ગયા હતા.

નેપાળી ઘરઘાટી દંપતીએ ઓરડીમાં જઈ બગસરાના દાગીના અલગ કર્યા
બંગલાના નીચેના રૂમ તેમજ ઉપરના માળે કબાટો મોટા ડિસમિસ વડે તોડીને અંદરથી દાગીના ચોર્યા બાદ નેપાળી દંપતિ પોતાની ઓરડીમાં ગયું હતું. જ્યાં શાંતિથી બેઠા બેઠા બગસરાના દાગીનાની છણાવટ કરીને સોનાના દાગીના સહિતની કિંમતી ચીજો લઈને અંધારામાં ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...