પાટનગરના ભર બજારમાં સોનાના દોરા તોડતી ગેંગ સક્રિય બની છે. ઘ6થી ખ6 જવા રીક્ષામાં બેઠેલા દંપતીને ગ6 સર્કલ આવ્યા પછી ગ5 સર્કલ તરફ લઇ જવામાં આવી રહ્યુ હતુ. દરમિયાન પતિએ અમારે ખ6 સર્કલ જવાનુ છે, રીક્ષા કેમ બીજી તરફ લઇ જઇ રહ્યા છો કહેતા જ રીક્ષાને ફૂલસ્પિડમાં હંકારી હતી. જ્યારે બુમરાણ મચાવતા રીક્ષા ચાલકે પતિને ધક્કો મારી પાછળની સીટમાં બેઠેલી પત્નિએ પહેરેલો એક લાખ રુપિયાની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતો. જોકે, આરોપીઓને ઝડપી લીધા હતા.
આ બનાવની સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ઉર્મિલાબેન ચતુરભાઇ પરમાર (રહે, સેક્ટર 24, આદર્શનગર) શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે તેમના વતન રાધનપુરમાં પ્રસંગ હોવાથી પતિ પત્નિ ગયા હતા અને આજે ગુરુવારે પરત આવતા સવારના સમયે ઘ6 સર્કલ પાસે બસમાંથી ઉતર્યા હતા. ત્યારે સેક્ટર 24ના ઘરે જવા માટે રીક્ષામાં બેઠા હતા. તે સમયે પાછળની સીટમાં બે લોકો બેઠેલા હોવાથી નિવૃત શિક્ષિકાને પાછળની સીટમાં જ્યારે તેમના પતિને ડ્રાઇવર પાસે આગળ બેસાડવામાં આવ્યા હતા.
તે દરમિયાન ગ6 ચોવિસ ચોકડી આવતા રીક્ષા ચાલકે રીક્ષા આગળ ખ6 સર્કલ તરફ લઇ જવાની જગ્યાએ ગ5 સર્કલ તરફ હંકારી હતી. જેથી વૃદ્ધાના પતિએ રીક્ષા ડ્રાઇવરને કહ્યુ હતુ કે, અમારે ખ6 સર્કલ તરફ જવાનુ છે, રીક્ષા કેમ આ દિશામાં લીધી ?. જેને લઇ રીક્ષા ચાલકે રીક્ષાની સ્પિડ વધારી દીધી હતી. ત્યારે વૃદ્ધાના પતિએ બુમરાણ કરતા રીક્ષા ઉભી કરી દીધી હતી.
જેમાં આગળની સીટમાં બેઠેલા પતિને ધક્કો મારી પાડી દીધા હતા અને પાછળની સીટમાં વૃદ્ધા સાથે બેઠેલા બે લોકોએ પકડી રાખી એક લાખ રુપિયાની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતો. જોકે, આસપાસમાંથી લોકો દોડી આવતા બે લોકો મુકેશ રમણભાઇ પટણી (રહે, ચમનપુરા, અસારવા, અમદાવાદ) અને શૈલેષ રમણભાઇ પટણી (રહે, સિદ્ધપુર, બત્રીપુરા)ને ઝડપી લીધો હતો. જ્યારે રીક્ષા ચાલક કલ્પેશ ગોપાલભાઇ પટણી (રહે, રામેશ્વર ઘુસારીયા) ફરાર થઇ ગયો હતો. પોલીસે બે આરોપીઓ અને રીક્ષા નંબર જીજે 01 ટીઇ 6712 જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.