• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Near Gandhinagar ST Depot, Three Men Robbed A Young Man And A Young Woman By Giving Police Identity, Trying To Embarrass The Girl, Saved Her By The Shore.

કિન્નરે યુવતીને બચાવી:ગાંધીનગર ST ડેપો નજીક ત્રણ શખ્સોએ પોલીસની ઓળખ આપી યુવક-યુવતીને લૂંટી લીધા, યુવતીની લાજ લેવાનો પ્રયાસ થતા કિન્નરે બચાવ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા

ગાંધીનગર એસ.ટી ડેપોની પાછળ આવેલી રાજ દરબાર નોનવેજની હાટડીની સામેની ઝાડીમાં લઘુશંકા કરવા ગયેલી વડોદરાની યુવતી અને તેના મિત્રને પોલીસની ઓળખાણ આપી શારીરિક છેડતી કરીને ત્રણ લૂંટારુની ટોળકીએ દાગીના અને રોકડા રૂપિયા લૂંટી લેતાં ચકચાર મચી છે. ત્યારે દેવદૂત બનીને આવેલા એક માસીબાએ યુવતીને લૂંટારુથી બચાવી લીધી હતી. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાત પડતાં અસામાજિક તત્ત્વોના આંટા-ફેરા વધી જાય છે
ગાંધીનગર એસ.ટી ડેપોની પાછળ ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની લારીઓના કારણે રાત પડતાં અસામાજિક તત્ત્વોના આંટા-ફેરા વધી જતા હોય છે. તેમ છતાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની દબાણ શાખા દ્વારા નામ પૂરતી કાર્યવાહી કરીને ગેરકાયદેસર હાટડીઓ સામે કૂણું વલણ અપનાવવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. ત્યારે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયેલા અત્રેના વિસ્તારમાં ગઈકાલે રાત્રે યુવક-યુવતીને લૂંટી લેવામાં આવતાં ચકચાર મચી છે.

રાજદરબાર હોટલ નજીક બનાવ બન્યો તે સ્થળ
રાજદરબાર હોટલ નજીક બનાવ બન્યો તે સ્થળ

યુવતી અમદાવાદથી ગાંધીનગર આવી
હાલ વડોદરામાં રહેતી મૂળ ગાંધીધામની 26 વર્ષીય યુવતી ગઈકાલે સવારે અમદાવાદ ખાતે આઇ હોસ્પિટલમાં આંખની તપાસ કરાવવા માટે આવી હતી. જેની સાથે કુડાસણમાં રહેતો મિત્ર પણ ગયો હતો. ત્યારે હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ યુવતીને ગાંધીનગ૨ ખાતે વાળ કપાવવાના હોવાથી તેના મિત્ર સાથે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર પર બેસી અમદાવાદથી ગાંધીનગર આવ્યાં હતાં.

યુવતી વડોદરા જવા માટે તેના મિત્ર સાથે એસ.ટી ડેપો પહોંચી હતી
બાદમાં યુવતીએ સાંજના સમયે કુડાસણ ખાતેના સલૂનમાં વાળ કપાવ્યા હતા. જ્યાંથી વડોદરા જવા માટે બંને એસ.ટી ડેપો પહોંચ્યાં હતાં. ત્યારે વડોદરાની બસ રાત્રે પોણા દસની હોવાથી બંને જણા રોડ ઉપર ફરવા નીકળ્યા હતા. અત્રેના રોડ ઉપર આંટો માર્યા પછી બંને એસ.ટી ડેપોની પાછળથી બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે યુવતીએ લઘુશંકા કરવા માટે ઈલેક્ટ્રિક સ્કૂટર ઊભું રખાવી રાજ દરબાર નોનવેજ નામની હાટડી સામેની ઝાડીમાં ગયાં હતાં.

પોલીસની ઓળખાણ આપી લૂંટારુ ટોળકીએ યુવક-યુવતીને બાનમાં લીધાં
આ દરમિયાન બાઈક ઉપર ત્રણ ઈસમો બંનેની પાસે પહોંચી ગયા હતા અને પોલીસની ઓળખાણ આપી સ્કૂટર ચોરીનું છે અને ડેકી ચેક કરવી છે. એમ કહીને યુવતીના મિત્રને લાફા મારવા લાગ્યા હતા અને તેના ખિસ્સામાંથી રૂ. 800 લૂંટી લીધા હતા. ત્યારે ઈલેક્ટ્રિક સ્કૂટર મોબાઇલ પાસવર્ડથી ચાલતું હોવાથી ત્રણેય લૂંટારુ વધુ રોષે ભરાઈ યુવતીના મિત્રને ઢોર માર મારવા લાગ્યા હતા. જે પૈકીના એક લૂંટારુએ યુવતી ઉપર દાનત બગાડીને શારીરિક અડપલાં શરૂ કરી દીધાં હતાં અને ધક્કો મારીને નીચે પાડવાની કોશિશ કરવા લાગ્યો હતો. બાદમાં યુવતીની બુટ્ટી, વીંટી અને સોનાની ચેઇન લૂંટી લીધી હતી.

આબરૂ લૂંટાવાની દહેશતથી યુવતીએ બૂમાબૂમ કરી મૂકી
આમ અડધી રાત્રે આબરૂ લૂંટાવાની દહેશતથી ફફડી ઊઠેલી યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યારે યુવતીના મિત્રને પણ લૂંટારુના ઈરાદાનો અંદાજ આવી જતાં તેણે પણ જોરશોરથી બૂમો પાડી હતી. જેમની બૂમો સંભાળીને રાહદારી માસીબા (કિન્નર) મદદ માટે પહોંચી ગયાં હતાં અને બંનેને વધુ મારમાંથી છોડાવ્યાં હતાં. જેથી બે લૂંટારુ ગભરાઈને ભાગી ગયા હતા.

ઝપાઝપી થતાં લૂંટારુનો શર્ટ ફાટીને માસીબાના હાથમાં આવી ગયો
જ્યારે એક લૂંટારુ બાઈક લઈને ભાગવાની કોશિશ કરતા માસીબાએ તેને રોકી દીધો હતો. આથી લૂંટારુએ માસીબા સાથે ઝપાઝપી કરી હતી. જેના કારણે લૂંટારુનો શર્ટ ફાટીને માસીબાના હાથમાં આવી ગયો હતો. જેમાંથી વીંટી અને બુટ્ટી નીચે પડી ગઈ હતી. પરંતુ 75 હજારની સોનાની ચેઇન અને રોકડા રૂપિયા મળ્યાં ન હતાં. ત્યારે લૂંટારુ બાઈક મૂકીને અંધારામાં ભાગી ગયો હતો. ત્યારબાદ જઈને ગેરકાયદેસર હાટડીઓવાળા સહિત જમવા માટે આવેલા લોકો દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને લૂંટારુનું બાઈક કબજે લઈ વધુ તપાસ હાથ ધરતાં આગામી સમયમાં લૂંટારુ ટોળકી ઝડપાઈ જવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...