નવરાત્રિને કોરોનાનું ગ્રહણ:ગુજરાતભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ આ વર્ષે પણ નહીં યોજાય

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જનસલામતી અને વ્યાપક લોકહિતને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ગુજરાતભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ આ વર્ષે પણ નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતે કોરોનાની બીજી લહેરનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાનમાં લઇને સરકારે અને સમાજે સજ્જતા કેળવી છે, એવા સંજોગોમાં સાર્વજનિક નવરાત્રિ મહોત્સવનું આયોજન બિલકુલ સલાહભર્યું નથી, જેને પગલે આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન નહીં કરવાનો નિર્ણય કરાયો છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જ્હાએ જણાવ્યું હતું કે મા આદ્યશક્તિની આરાધનાનું આ પર્વ ગુજરાતમાં આનંદ-ઉલ્લાસપૂર્વક યોજાય છે. નવરાત્રિના રાસ-ગરબામાં ભારે જનમેદની ઊમટી પડે છે અને સેંકડો યુવક-યુવતીઓ મન મૂકીને ગરબે રમતાં હોય છે. નવરાત્રિના રાસ-ગરબા દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવું અશક્ય અને અસંભવ હોય છે. આવી પરિસ્થિતિમાં રાસ-ગરબાનું સાર્વજનિક આયોજન નહીં કરવું જ જનઆરોગ્ય માટે હિતાવહ છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન ગાંધીનગરે અનેક આગેવાનો અને સક્રિય નાગરિકો ગુમાવ્યા છે. ઘણા નાગરિકોનું કોરોનાને કારણે નિધન થયું છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ તમામ નાગરિકો અને તેમનાં પરિવારજનો પ્રતિ સંવેદના અનુભવે છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ગાંધીનગરના નાગરિકો સ્વસ્થ રહે, સલામત રહે એવી અભ્યર્થના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જ્હાએ તમામ ગાંધીનગરવાસીઓને વેક્સિનેશનના બંને ડોઝ લઈને કોરોના સામે સલામતી કેળવવા અનુરોધ કર્યો છે.

તેમણે પ્રાર્થના કરી છે કે કોરોનાની ત્રીજી લહેરને અટકાવીએ તો કોરોનાને કાયમી જાકારો આપી શકીએ, જેથી કરીને આગામી વર્ષે નવરાત્રિ મહોત્સવની ઉજવણી રંગેચંગે થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...