પેટ્રોલકાંડ:નર્મદા-સરદાર સરોવર પુનર્વસવાટના ડ્રાઇવરો 3.31 લાખનું 3220 લીટર પેટ્રોલ પી ગયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઉટસોર્સ 2 ડ્રાઇવરનું કૌભાંડ 10 મહિને પકડાયું
  • ‘પોલીસ’ લખેલી​​​​​​​ કારમાં પેટ્રોલ પુરાવ્યું તેમજ પેટ્રોલ પુરાવ્યા વિના જ કાર્ડ સ્વાઇપ કરાવી કૌંભાડ કર્યું

સરકારી વાહનના નામે ખાનગી વાહનમાં પેટ્રોલ પુરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. નર્મદા પુનર્વસવાટ વિભાગના અધિક મુખ્ય સચિવના ડ્રાઇવરોએ સરકારી કારમાં પેટ્રોલ પુરાવવાને બદલે ‘પોલીસ’ લખેલી કારમાં પેટ્રોલ પુરાવ્યું હોવાનું તથા પેટ્રોલ પુરાવ્યા વિના જ કાર્ડ સ્વાઇપ કરાવ્યું અને વિવિધ શહેરોનાં પેટ્રોલ પમ્પનાં ખોટાં બિલ મૂકી રૂપિયા લીધા હોવાના કૌભાંડ બહાર આવતા આ અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

10 મહિનામાં કુલ 3220.30 લિટર પેટ્રોલનાં બિલ મૂકી રૂ. 3.31 લાખનું કૌભાંડ આચરાયું હતું. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હરેશભાઈ બાબુભાઈ કંસારા (ઉત્કર્ષ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને સરકારી ઇનોવા કાર ફાળવવામાં આવે છે. નર્મદા પુન: વસવાટ વિભાગના અધિક મુખ્ય સચિવને સરકારી ઇનોવા કાર (જીજે 18 જીબી 3555) ફાળવી હતી.

આ કારના આઉટસોર્સ ચાલક તરીકે 1 નવેમ્બર, 21થી 23 ઑગસ્ટ, 22 સુધી કનુ રબારી (વાવોલ) નોકરી કરતો હતો. જ્યારે લોગબુક મુજબ હિતેષ સોલંકી ફરજ બજાવતો હતો. સરકારી કારમાં પેટ્રોલ ભરાવવા માટે સેક્ટર 16નો પેટ્રોલ પમ્પ નિયત કરાયો હતો. કચેરીના ઑફિસ આસિસ્ટન્ટને શંકા જતાં પેટ્રોલ પમ્પ ઉપર જઈને તપાસ કરી હતી. જેમાં 17 ઑગસ્ટ, 22એ 34 લીટર પેટ્રોલ સરકારી ગાડીમાં ભરાવ્યું હતું જ્યારે ‘પોલીસ’ લખેલી સ્વીફ્ટ ડીઝાયરમાં ભરાવ્યું હતું.

ઉપરાંત તે જ દિવસે સાંજે બાઇક લઈને આવેલા કનુ રબારીએ 55 લીટર પેટ્રોલ ભરાવી કાર્ડ સ્વાઇપ કરાવ્યું હતું. વધુ તપાસ કરાતાં મોટું કૌંભાડ સામે આવ્યું હતું. અલગ અલગ સમયે સરકારી કારમા ભરાવવાની જગ્યાએ પેટ્રોલને બારોબાર લઇ જવામા આવ્યુ હતુ. જ્યારે બિલની તપાસ કરતા કાર અન્ય શહેરમાં ન ગઈ હોવા છતાં વડોદરા, સમી, પાટણ, ખેડા, ધનસુરાના પેટ્રોલ પમ્પનાં ખોટા બિલો બનાવી રજૂ કર્યાં હતાં. આ દરમિયાન કારમાં ટોલટેક્સ પણ કપાયો નહોતો. જેને લઈને સામે આવ્યું હતું કે બંને ડ્રાઇવરે 3220.30 લીટર પેટ્રોલના નામે રૂ. 3,31,27.84ની ઉચાપત કરી હોવાનું સામે આવતાં સેક્ટર 21 પોલીસ મથકમા ઉચાપતની ફરિયાદ કરવામા આવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...