તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 કલાક પાણીનો પ્રોજેક્ટ:2 વર્ષમાં ગાંધીનગરમાં નલ સે જલ

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: આશિષ મકવાણા
  • કૉપી લિંક
  • ડાયરેક્ટ પંપિગથી પાણી આપવાનો રાજ્યનો પ્રથમ પ્રોજેક્ટ, 232 કરોડનું ટેન્ડર મંજૂર
  • 50 કિલોમીટરની પાઈપ લવાઈ, તેમાંથી 6 કિલોમીટર સુધી પાઈપ નાખવાનું કામ પૂરું : 58 હજાર ઘરોમાં એક જ પ્રેશરથી પાણી પહોંચતું કરાશે

ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી આપવાના પ્રોજેક્ટની કામગીરી હાલ પુરજોશમાં જોવા મળે છે. હાલ શહેરમાં ઠેરઠેર પાઈપલાઈનો જોવા મળે છે. પ્રોજેક્ટની કામગીરીમાં હાલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ચરેડી-સરિતા હેડવર્ક્સ અને પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. 50 કિલોમીટરની પાઈપો આવી છે જેમાંથી 6 કિલોમીટર જેટલી પાઈપો નાખી પણ દેવાઈ છે. શહેરમાં 58 હજાર જેટલા ઘરોમાં 24 કલાક પાણી પહોંચાડવા માટે 352 કિલોમીટરનું પાઈપલાઈનનું નેટવર્ક પાથરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટમાં 232 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. જેમાં 2 વર્ષ એટલે જુલાઈ-2022 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

રાજ્યમાં ડાયરેક્ટ પંપિંગથી પાણી પહોંચાડવાનો આ પ્રથમ પ્રોજેક્ટ હશે. જેમાં 58 હજાર જેટલા ઘરોમાં મીટર લાગશે, સમગ્ર લુપ લાઈન એવી હશે કે દરેક ઘરમાં એક પ્રેશરથી જ પાણી પહોંચશે. જેમાં હાલના સમયે ગ્રેવિટી મારફતે ઊંચી ટાંકીમાં પાણી ભરીને લોકોને પાણી પહોંચાડાય છે. શહેરમાં હયાત ઈએસઆર, ભૂગભ સંપ, પંપીગ મીશનરી, પંપરૂમ અને પાઈપલાઈન નેટવર્ક 1970માં તૈયાર કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેરની હાલની વસ્તી 2.89 લાખ જેટલી છે, જેને શહેરમાં નર્મદા મુખ્ય નહેરને સાંકળીને નર્મદાનું પાણી મુખ્ય હેડવર્કસ સરિત અને ચરેડી ખાતે આપવામાં આવે છે.

જેમાં આ હેડવર્કસો ખાતે આવેલ શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી પાણી ગ્રેવીટી મારફતે પાણી વિતરીત કરવામાં આવે છે. હાલમાં શહેરમાં નાગરિકોને દૈનિક 2થી 3 કલાક પાણી આપવામાં આવે છે. શહેરમાં હાલ સરિતા હેડવર્કસથી સેક્ટર 1થી 15 અને ચરેડી હેડવર્કસથી 16,17, 19, 20, 21, 22, 23, 28, 29 અને 30 ખાતે પાણી પહોંચાડવામાં આવે છે.જેનો લાભ 365 દિવસ 24 કલાક મળશે.

વર્ષ 2049માં 166 MLD પાણી પૂરું પાડી શકે તેવું નેટવર્ક ઊભું કરવામાં આવશે
શહેરની હાલ 2.99 લાખની વસતીને દરરોજ 2 કલાક પાણી પહોંચાડવામાં આવે છે. નવી યોજનામાં પાણીના વિતરણની ક્ષમતાને હાલની 65 એમએલડી પરથી 81 એમએલડી પર લઇ જવાશે. સાથે જ વચગાળાની ક્ષમતા 115 એમએલડી અને વર્ષ 2049માં શહેરની વસતી 6.75 લાખ થવાની ધારણા સાથે 166 એમએલડી પાણી વિતરણ થઈ શકે તે પ્રકારે યોજના તૈયાર કરાઇ છે.

સરિતા ઉદ્યાન-ચરેડી બંને સ્થળે 70 લાખ લીટર ક્ષમતાના ભૂગર્ભ ટાંકા બનશે
ગાંધીનગરમાં હાલ સરિતા ઉદ્યાન અને ચરેડી હેડવર્ક્સ ખાતે પાણી શુદ્ધીકરણ પ્લાન્ટની ક્ષમતા 30-30 એમલડી છે. જેને નવા પ્રોજેક્ટમાં પ્લાન્ટની ક્ષમતા સરીતા ખાતે 45 એમએલડી અને ચરેડી ખાતે 35 એમએલડી કરાશે. ચરેડી અને સરીતા ઉદ્યાન બંને સ્થળે 70 લાખ લીટરની ક્ષમતાવાળા ભૂગર્ભ ટાંકા અને પંપિગ સ્ટેશન બનશે. બંને પ્લાન્ટ એકબીજાથી લીંક હશે, જેથી કોઈ એક પ્લાન્ટ બંધ હોય ત્યારે એક જ પ્લાન્ટથી આખા શહેરમાં પાણી પહોંચાડી શકાય.

સ્કાડા સિસ્ટમમાં ઓનલાઈન મોનટરિંગ થશે
આ અંગે પાણી પુરવઠા બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે. પી. સિંહે કહ્યું હતું કે, સમગ્ર પ્રોજેક્ટમાં સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન (સ્કાડા) સિસ્ટમ લગાવાશે. એટલે તેનું મોનિટરિંગ અને સંચાલન કોર્પોરેશનમાં બેઠા-બેઠા પણ થઈ શકશે. જેમાં ક્યાં કેટલું પાણી જઈ રહ્યું છે તેનો ફ્લો કેટલો છે. જો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ જણાય તો તેને કોર્પોરેશનમાં બેઠા-બેઠા જાણી શકાશે અને તે વિસ્તારનો મેઈન વાલ્વ બંધ કરી શકાશે. જે બાદ ટીમ તાત્કાલિક તે સ્થળે પહોંચી જશે.’

સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ 7 વર્ષ સુધી એજન્સી મેઈનેન્ટેન્સની જવાબદારી સંભાળશે
શહેર વિકાસ સ્માર્ટ સિટી અંતર્ગત અને અમૃત યોજના હેઠળ અનુક્રમે 129 કરોડ અને 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પ્રોજેક્ટનું અમલીકરણ ગુજરાત પાણી પુરવડા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા થઈ રહ્યું છે. પ્રોજેક્ટની કામગીરી અમદાવાદની ક્રિશ્ના કોર્પોરેશન કરી રહી છે, જે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ 7 વર્ષ સુધી મેનેન્ટેન્સની જવાબદારી સંભાળશે, જે બાદ સમગ્ર જવાબદારી કોર્પોરેશનના માથે આવશે.

24 કલાક પાણી પૂરું પાડનારું દેશનું પ્રથમ શહેર
365 દિવસ 24x7 પીવાનું પાણી પુરૂં પાડનારૂં ગાંધીનગર દેશનું પ્રથમ શહેર બનશે. ગત વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના 70મા જન્મદિવસે પાટનગરને ભેટ આપતા ખાતમૂર્હત કરાયું હતું. જોકે કોરોનાને પગલે કામગીરીમાં થોડો વિલંબ થયો છે. કામગીરી પૂર્ણ થતાં શહેરના દરેક ઘરમાં પુરતા પ્રેશરથી 24 કલાક પાણી પહોંચશે, જેમાં બીજામાળ સુધી સડસડાત પાણી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...