ધર્મના નામે છેતરપિંડી:ગિરનારમાં ભંડારો કરવાના બહાને માણસાના ચરાડાનાં બે ભાઈઓ સાથે નાગો બાવો 1.11 લાખની ઠગાઈ કરીને છૂમંતર

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમાં આવેલો બાવો ચા પાણી કરવાના બહાને ઘરમાં પ્રવેશી વાતોમાં ભોળવી રૂપિયા લઈ ડ્રાઇવર સાથે ફરાર

માણસા તાલુકાના ચરાડાનાં બે પિતરાઈ ભાઈઓને વાતોમાં ભોળવીને ગિરનારમાં ભંડારો કરવાના બહાને નગ્ન અવસ્થામાં આવેલો બાવો 1.11 લાખની રોકડ લઈને આઈ-20 કારમાં ડ્રાઇવર સાથે ફરાર થઈ જતાં માણસા પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

માણસા તાલુકાના ચરાડા મોટો વાસમાં રહેતા 61 વર્ષીય પથૂભાઈ લવજીભાઈ ચૌધરી અને તેમના પત્ની જ્યાબેન ગઈકાલે સોમવારના બપોરના સમયે ઘરે હાજર હતા. એ દરમ્યાન આઈ - 20 કારમાં એક સંત મહારાજ નગ્ન હાલતમાં ઘર આગળ આવ્યો હતો. જેણે કારમાંથી બહાર આવતા કમરે કાળા કલરનું કપડું વીંટાળી દીધું હતું.

બાદમાં તેણે પથૂભાઈને જઈને કહેલું કે મારે તારા ઘરે ચા પાણી કરવાની ઈચ્છા છે. આથી વૃદ્ધ દંપતી સંત મહારાજ જેવા લાગતા નાગા બાવાને ઘરમાં પ્રવેશ આપ્યો હતો. જેની સાથે તેનો ડ્રાઇવર પણ ઘરમાં ગયો હતો. ચા પાણીનાં બહાને ઘરમાં ઘૂસેલા બાવાએ વૃદ્ધ દંપતિને કહેલું કે મારે ગિરનારમાં ભંડારો કરવાનો છે. જે માટે બે ઘીનાં ડબ્બા જોઈએ છે. જેથી પથૂભાઈએ ઘી પેટે 15 હજાર રોકડા બાવાને આપી દીધા હતા.

થોડીક વાર પછી બાવાએ ચા પીધા પછી પોતાની આગવી શૈલીમાં પથૂભાઈને પુછ્યું હતું કે, ઘી માટે આપેલા પૈસાથી રાજી તો છે ને? ઘરમાં બીજા રૂપિયા પડ્યા હોય તો એ પણ આપી દે. આમ બાવાની વાતોમાં ભોળવાઈને પથૂભાઈએ બીજા 85 હજાર રૂપિયા પણ બાવાને આપી દીધા હતા. અને ગિરનાર આવો તો ફોન કરજો એમ કહી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો.

બાદમાં 10 મિનિટ સીધું ઘરમાં બેઠા પછી બાવો ડ્રાઇવર સાથે છૂમંતર થઈ ગયો હતો. થોડી વાર પછી પથૂભાઈને ઠગાઈ થયાનો અહેસાસ થતાં તેમણે પોતાના પિતરાઈ ભાઈ દશરથભાઈ ચૌધરીને સઘળી હકીકત વર્ણવી હતી. ત્યારે દશરથભાઈ પાસેથી ઉક્ત સાધુના વેશમાં આવેલો ગઠિયો ઘી ના ડબ્બા પેટે 11 હજાર લઈ ગયો હોવાનું માલુમ પડયું હતું. આથી બંને ભાઈઓએ બાવાએ આપેલા નંબર ઉપર સતત સંપર્ક કર્યો હતો. પરંતુ બાવો ઘરે આવીને પૈસા આપી દેવાની વાત કર્યા કરતો હતો. આખરે વૃદ્ધએ 1.11 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ માણસા પોલીસ મથકમાં દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...