કડક કાર્યવાહી:ગાંધીનગરમાં નંબર પ્લેટ વિનાની કાર સાથે નબીરો ઝડપાયો, કારમાંથી દારૂની બોટલ અને પોણા ચાર લાખની રોકડ મળી

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરનાં રિલાયંસ ચાર રસ્તા પાસેથી નંબર પ્લેટ વિનાની વૈભવી કારમાંથી વિદેશી દારૂની vat 69 ની બોટલની સાથોસાથ રોકડા રૂ. 3.80 લાખ તેમજ 80 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 19.61 લાખનો મુદ્દામાલ મળી આવતા ઈન્ફોસિટી પોલીસને બગાસું ખાતાં પત્તાસુ હાથમાં આવી ગયાની ઘટના બનતા સમગ્ર ગાંધીનગરમાં આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડયો છે.

ગાંધીનગરમાં માલેતુજાર નબીરા મોંઘીદાટ કાર તેમજ બાઈક સાથે રોલો પાડવા માટે છાશવારે શહેર નાં માર્ગો પર ફરતા નજરે ચઢતાં હોય હોય છે. ત્યારે આવાં નબીરા પણ અવારનવાર પોલીસના હાથે ઝડપાઈ જતા હોય છે આવો જ એક બનાવ ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરનાં રિલાયન્સ ચોકડી ખાતે બનવા પામ્યો હતો. જેમાં વૈભવી કાર માંથી વિદેશી દારૂની માત્ર એક બોટલની સાથે પોલીસને રૂ. 19.61 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યાંની વાત વાયુવેગે પ્રસરી જતાં ચર્ચાનો મુદ્દો બની ગયો હતો.

માલેતુજાર નબીરા ઉપર બાજ નજર રાખવા માટે ડી સ્ટાફના માણસોને કડક સૂચના હતી

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકના ઈન્સ્પેક્ટર પી. પી. વાઘેલા દ્વારા ઈન્ફોસિટી તેમજ ન્યુ કુડાસણ વિસ્તારમાં મોંઘીદાટ ગાડીઓ લઈને રોફ જમાવતા માલેતુજાર નબીરા ઉપર બાજ નજર રાખવા માટે ડી સ્ટાફના માણસોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેનાં પગલે ગઈકાલે રાત્રિના સમયે ઈન્ફોસિટી પોલીસનો ડી સ્ટાફ ખાનગી વાહનમાં ન્યુ કુડાસણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન કોન્સ્ટેબલ શેખર રાઠોડને બાતમી મળી હતી કે રીલાયન્સ ચાર રસ્તા પાસે NID કોલેજ નજીક કાળા કલરની નંબર પ્લેટ વિનાની વૈભવી કારમાં વિદેશી દારૂની બોટલ લઈને એક યુવક બેઠો છે.

સેકટર 2 માં રહેતો વૈભવગીરી ગોસ્વામી ઝડપાયો

જેના પગલે ડી સ્ટાફના માણસો તાબડતોબ બાતમી વાળી જગ્યાએ દોડી જઈ નંબર પ્લેટ વિનાની કાર ને ચારે તરફથી કોર્ડન કરી લીધી હતી. અને કારના ચાલકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ વૈભવ ગીરી ગોવિંદગિરી ગોસ્વામી (રહે સેક્ટર 2 બી પ્લોટ નંબર 1457/1, મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું સરસાવ ગામ ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારની તલાશી લેતા ડ્રાઇવર સીટની નીચે vat 69 ની વિદેશી દારૂની મોંઘી કિંમતમાં વેચાતી બોટલ મળી આવી હતી. જે અંગે વૈભવગીરી સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસે નંબર પ્લેટ વિનાની વૈભવી કારની તલાશી શરૂ કરી દીધી હતી.

રોકડા 3.80 લાખ તેમજ 80 હજારના ચાર મોબાઇલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી

જેના પગલે વૈભવી કારની પાછળની સીટમાં પ્લાસ્ટિકની થેલીમાં જુદા જુદા દરની ચલણી નોટોનો રૂ. 3.80 લાખનો જથ્થો તેમજ તેના કિસ્સામાં થી પણ 80 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ જોઈને પોલીસની આંખો પહોળી થઇ ગઇ હતી.જે અંગે પણ વૈભવગીરીએ સંતોષકારક કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ પોલીસ તેને ઈન્ફોસિટી પોલીસ ચોકી ખાતે લઈ આવી દારૂ ની બોટલ તેમજ રોકડ રકમ વિશે ઊંડી પૂછતાંછ હાથ ધરી હતી પરંતુ પૈસા બાબતએ કોઈ ફળદાયી હકીકત સામે આવી શકી ન હતી. આખરે વૈભવ ગિરી ગોસ્વામી વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરવામા આવી

આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકના ઈન્સ્પેક્ટર પી. પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત 36 વર્ષીય યુવાન પાસેથી વિદેશી દારૂની બોટલ તેમજ રોકડા રૂ. 3.80 લાખ ઉપરાંત નમ્બર પ્લેટ વિનાની કિયા સેલટોસ કાર મળીને કુલ રૂપિયા. 19.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શેરબજારના ધંધા સાથે સંકળાયેલો વૈભવ ગોસ્વામી દારૂ ની બોટલ તેમજ રોકડ રકમ અંગે સંતોષકારક જવાબ આપતો નહીં હોવાથી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...