તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની 'ડેટા ગેમ'?:'મારુ ગામ કોરોના મુક્ત ગામ 'બનાવવા માટે સરકારે ગામડાઓમાં કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડી માત્ર 31 ટકા જ કરી દીધું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણી ( ફાઈલ ફોટો)
  • રાજ્યની 4.60 કરોડની વસ્તી ધરાવતા 25 જિલ્લામાં 31 ટકા અને 2 કરોડની મહાનગરોની વસ્તી ધરાવતા 8 જિલ્લામાં 71 ટકા જ ટેસ્ટિંગ.
  • ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવાની જવાબદારી ગ્રામજનો જ ઉઠાવી રહ્યા છે
  • દવાઓ અને નિષ્ણાત ડોકટરો પુરા પાડવામાં આવતા નહીં હોવાથી સ્થાનિક નેતાઓ પણ અકળાઈ ગયા

ગુજરાતમાં શહેરોની સાથે ગામડાઓમાં પણ કોરોનાનો કહેર બેકાબુ થયો છે. ગામડાઓમાં વધેલા સંક્રમણને કાબુમાં લેવા માટે સરકારે ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કર્યું પણ કોઈ ઠેકાણા નહીં પડતા કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે સરકારે તેને કાબુમાં લેવા માટે શહેરો જેવી ટ્રીક વાપરીને ટેસ્ટિંગ ઓછા કરી દીધા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગઈ કાલે 11મી મેના રોજ બે કરોડની વસતી ધરાવતા શહેરોના 8 જિલ્લામાં 8 જિલ્લામાં 97835 ટેસ્ટ થાય જે કુલ ટેસ્ટ 1,41,203 ના 71.08 ટકા થયા જયારે 4.60 કરોડની વસ્તી ધરાવતા 25 જિલ્લામાં 43368 ટેસ્ટ એટલે કે કુલ ટેસ્ટના માત્ર 30.99 ટકા જ થયા છે.

યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી સંક્રમણ વધ્યું
કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં ગામડાઓ પણ ઝપેટમાં આવી ગયાં હતાં. જેના પરિણામે સુવિધાના સાધનો, ઓછી હોસ્પિટલ અને દવાઓની અછતને કારણે ગામડાઓમાં કોરોનાના કેસો અને મોતની સંખ્યા વધી ગઈ હતી.કોરોનાને કાબુમાં લેવા માટેની ખાસ ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ મહત્વની હોય છે. ત્યારે ગામડાઓમાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હતો. પરિણામે કોરોનાનું સંક્રમણ વધી ગયું તેની સામે સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર રહેવું પડયું હતું. ત્યાં પણ દવાઓ અને ડોક્ટરની અછત જોવા મળતી હતી.

જરુરી સુવિધાઓના અભાવ વચ્ચે સ્થાનિક નેતાઓ પણ અકળાયા
જરુરી સુવિધાઓના અભાવ વચ્ચે સ્થાનિક નેતાઓ પણ અકળાયા

સુવિધાઓ નહીં મળતા સ્થાનિક નેતાઓ અકળાયા
ખાસ કરીને કોરોનાના લક્ષણો હોય તેને ટેસ્ટ કરવો જરૂરી હોય છે પણ ગામડાઓમાં ટેસ્ટિંગ જ એકદમ ઓછું કરવામાં આવી રહ્યું હોવાની બુમરાણ મોટાભાગના ગામના સરપંચ અને આગેવાનો કરી રહ્યા છે. સ્થાનિક રાજકારણીઓ પણ ગામડાની જનતાને મદદ કરવા તૈયાર હોય છે પણ સરકાર દ્વારા ટેસ્ટિંગ કીટ થી માંડીને દવાઓ અને નિષ્ણાત ડોકટરો પુરા પાડવામાં આવતા નહીં હોવાથી સ્થાનિક નેતાઓ પણ અકળાઈ ગયા છે.

ગ્રામ્ય વિસ્તારમાં પુરતી આરોગ્ય સુવિધા હોતી નથી
ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ શરૂ થાય એટલે વધુને વધુ કેસ અને મૃત્યુના આંકડા વધી શકે છે, કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં પુરતી આરોગ્ય સુવિધા હોતી નથી. ગામડામાંથી શહેરમાં દર્દીને લાવવા માટે મુશ્કેલી ઉભી થાય છે, કારણ કે શહેરોની હોસ્પિટલ શહેરના દર્દીઓથી ઉભરાઇ રહી છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારૂં ગામકોરોના મુક્ત ગામ નામનું અભિયાન 1લી મે થી શરૂ કર્યું છે.પરંતુ ગામડા ની જનતા સ્વયંભૂ વ્યવસ્થા કરી રહ્યા છે.

દવાઓ અને ડૉક્ટરોની સુવિધાઓની પણ કોઈ વ્યવસ્થા નથી
દવાઓ અને ડૉક્ટરોની સુવિધાઓની પણ કોઈ વ્યવસ્થા નથી

કેસો વધતાં ગામડાઓમાં સ્વયંભૂ લૉકડાઉન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ ભય વ્યક્ત કરીને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને તાકીદ કરી હતી કે કોરોના સંક્રમણ ગામડામાં ફેલાશે તો બહુ મોટી મુશ્કેલી થશે. તેથી પ્રત્યેક રાજ્ય સરકારોએ ગામડાને સુરક્ષિત રાખવાની જરૂર છે. વડાપ્રધાનના આ ભયને ગંભીરતાથી લેવામાં ના આવતા આજના દિવસે આ ભય સાચો પડી રહ્યો છે. આજે ગુજરાતના ગામે ગામ કોરોના સંક્રમણ વધતું જાય છે.જેના કારણે ગ્રામ્યજનો સરકારની રાહ જોયા વિના સ્વયંભૂ લોકડાઉન થી માંડીને સલામતી અને સારવારની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.

ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની
અમદાવાદમાં કોરોનાની પ્રથમ લહેર દરિમયાન મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા વિજય નેહરાની કેટલીક કામગીરી મુદ્દે નારાજગી હોવાથી તેમની બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. જ્યારે હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાં પણ વધુ સંક્રમિત બન્યાં છે, ખાસ કરીને ત્યાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દર્દીઓની સ્થિતિ બગડી રહી હતી, કેમ કે ટાંચા સાધનો અને સારવારના અપૂરતાં સાધનોને કારણે ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.