ઠગાઈ:ગાંધીનગરમાં ‘મારી CM ઓફિસમાં ઓળખાણ છે’ કહી ઉદ્યોગપતિ સાથે 26 લાખની છેતરપિંડી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તમારા વર્ક ઓર્ડરની ફાઇલ CMના ટેબલ ઉપર છે, આપણો વહેવાર થઇ જશે એટલે ઓર્ડર મળી જશે કહી વિશ્વાસ જીત્યો
  • CM કાર્યાલયના અધિકારીને મુલાકાત કરાવી વિશ્વાસ અપાવ્યો

શહેરના સેક્ટર 26મા આરઓ મશીનના પાર્ટ બનાવતા ઉદ્યોગપતિ સાથે રૂપિયા 26 લાખની છેતરપિંડી કરાઈ છે. સનાથલમાં આવેલા પ્લોટમાં કપાત બચાવવા મળેલા વ્યક્તિએ ઉદ્યોગપતિને તેમને સરકારના ઓર્ડર આપવાનુ કહીં સીએમ કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીને મળાવ્યા બાદ વિશ્વાસ આવતા ટુકડે ટુકડે રૂપિયા 26,07,000 આપ્યા હતા. આરોપીએ તમારા વર્ક ઓર્ડરની ફાઇલ તૈયાર થઇ ગઇ છે અને આપણો વહેવાર થઇ જશે બાદમાં ફાઇલ મળી જશે ત્યા સુધીની વાત કરી હતી. પરંતુ નાણા આપ્યા બાદ પણ કામ નહીં થતા ઉદ્યોગપતિએ સેક્ટર 21 પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ, 39 વર્ષીય ભાવેશકુમાર છગનભાઇ પટેલ (રહે, મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ, પેથાપુર. મૂળ રહે, આવલ, તા. અમીરગઢ, બનાસકાંઠા) સેક્ટર 26 જીઆઇડીસીમા આરઓ મશીનના પાર્ટનુ પ્રોડક્શન કરે છે. તેમણે વર્ષ 2018મા સનાથલમાં આવેલા ઇન્ડ્રસ્ટ્રીયલ પાર્કમાં ધંધા માટે 1140 મીટરનો એક પ્લોટ લીધો હતો. બાદમાં વર્ષ 2019માં પ્લોટ ફાઇનલ ટીપીમાં આવતા 60 ટકા કપાત આવી હતી. કપાતને લઇને તેમની જાણકારી મુજબ 30 ટકા હોવી જોઇએ, જેના માટે સરકારમાં રજૂઆત કરવાનું વિચારતા હતા.

તેમની કંપનીમાં ફરજ બજાવતા મુકેશ મેવાડાએ પાલનપુરમાં રહેતા દેવાંગ દિલીપભાઇ દવેનો સંપર્ક કરાવ્યો હતો અને કહ્યુ હતુ કે, આ જમીનના જાણકાર છે, રેવન્યુ અધિકારીઓમાં ઓળખાણ છે અને તમારી સનાથલના પ્લોટનું સમાધાન લાવી આપશે. જેના માટે રૂપિયા 2 લાખ આપવા પડશે તેમ કહ્યુ હતુ. ત્યારબાદ ડીસેમ્બર 2019મા 2 વખત 1-1 લાખ રૂપિયા આપ્યા હતા. ફેક્ટરી પર વારંવાર આવતા દેવાંગે તેની સરકારમાં સીએમ, પોલીસ અને રાજકીય લોકો સાથે સારો ઘરોબો છે, તે 100 કરોડના સુધીના કામ અપાવશે.

ફેક્ટરીમાં બનતા પેડ વેન્ડીંગ અને પેડ ડીસ્ટ્રોયર મશીનનુ ટેન્ડર હુ સરકારમાંથી તમને અપાવી દઇશ. પરંતુ તેમા મારો ભાગ રાખવો પડશે. એક દિવસ ભાવેશભાઇને સીએમ કાર્યાલયમાં એક અધિકારીને મળાવ્યા હતા અને સીએમ સાહેબને પણ એક દિવસ મળાવીશ તેમ કહ્યુ હતુ. બાદમાં દેવાંગે વિશ્વાસ જીતતા હાલ રૂ. 20 લાખ આપવા પડશે તેમ કહ્યા બાદ ગત 4 ફેબ્રુઆરી 2020ના રોજ રોકડ રૂ. 7 લાખ આપ્યા હતા. બાદમા 5 માર્ચે 2020ના રોજ 12.50 લાખ આપ્યા હતા. રૂપિયા મળ્યા બાદ કહ્યુ હતુ કે, તમારી ફાઇલ સીએમના ટેબલ ઉપર પડી છે માત્ર આપણો વહેવાર પુરો થઇ જાય એટલે આપણને ઓર્ડર મળી જશે.

ફરીથી દેવાંગ ફેક્ટીર પર આવ્યો હતો અને આઇજીપી જે.કે.ભટ્ટના સબંધીને દાખલ કર્યા હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં રૂ.2.50 લાખ જમા કરાવવાના છે. તમે હાલ રૂપિયા આપો ભટ્ટ સાહેબ પાસેથી બાદમાં પાછા મેળવી આપી દઇશ. તે પછી અવાર નવાર અલગ અલગ વખત કુલ રૂ. 26,07,000 લઇ ગયા હતા. જ્યારે વર્ક ઓર્ડર બાબતે વાત કરવા માટે ફોન કરતા ફોન રીસીવ કરવાનુ માડી વાળ્યુ હતુ.

બાદમાં સીએમ કાર્યાલય અને હોસ્પિટલમાં તપાસ કરતા કોઇ ફાઇલ ન હતી કે કોઇ ભટ્ટ સાહેબના સબંધીને એડમીટ કર્યાં ન હતા. જ્યારે રૂબરૂ મળીને રૂપિયા પરત માગતા ધમકી આપી હતી કે, મારી રાજકારણ અને પોલીસમાં મોટી ઓળખાણ છે, પૈસા પાછા માગશો તો તમારૂ જીવવુ જોખમ થઇ જશે. ભાવેશભાઇએ સેક્ટર 21મા દેવાંગ સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પ્લોટની કપાત બચાવવા ઉદ્યોગપતિ આરોપીની વાતોમાં ફસાઈ છેતરાયો
સનાથલમાં આવેલા પ્લોટમાં કપાત બચાવવા મળેલા વ્યક્તિએ ઉદ્યોગપતિને તેમને સરકારના ઓર્ડર આપવાનુ કહીં સીએમ કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીને મળાવ્યા બાદ વિશ્વાસ આવતા ટુકડે ટુકડે રૂપિયા 26,07,000 આપ્યા હતા. આમ પ્લોટનું કપાત બચાવવાના ચક્કરમાં ઉદ્યોગપતિ આરોપીની વાતોમાં આવ્યો અને આ છેતરપિંડીમાં ફસાયો.

અન્ય સમાચારો પણ છે...