વિરોધ:પાલિકાના કર્મીઓ આજથી 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરશે, 70 રોજમદારોને ભરવા સહિતના પ્રશ્નોની માંગ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રશ્નો અંગે 3 વર્ષમાં 50 વખત લેખિત રજૂઆત કરાઈ

નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો ન ઉકેલાતાં તા. 16થી 18મી સુધી કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ કરશે. પાલિકાના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ તરીકે જાહેર કરવા, પાલિકામાં ખાલી પડેલી જગ્યા 70 જેટલા રોજમદારોથી ભરવા સહિતના પ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રાજ્યની 156 પાલિકાના કર્મચારીઓને પેન્શનના લાભો આપવાનો સત્વરે નિર્ણય લેવો. રાજ્ય સરકારે પંચાયત પસંદગી બોર્ડની જેમ નગરપાલિકા પસંદગી બોર્ડની રચના કરીને કર્મચારીઓની ભરતી, બઢતી સહિતની કામગીરી કરવી.

નગરપાલિકા કર્મચારીઓમાં અરસ પરસ બદલીની પ્રથા દાખલ કરવી. નગરપાલિકાઓમાં ખાલી પડેલી સફાઇ કામદારોની જગ્યાઓમાં 70 જેટલા રોજમદારોની ભરતી કરવી. જેથી જુદી જુદી કોર્ટમાં ચાલતા રોજમદારોના કેસોનો તાકિદે નિકાલ આવે તેવી માંગણી કરી છે. 79000 કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે 3 વર્ષમાં 50 વખતે લેખિત તેમજ અનેક વખત મૌખિક રજુઆત મુખ્યમંત્રી, મંત્રી તેમજ અધિકારીઓને કરી છે.

તેમ છતાં કર્મચારીઓના પ્રશ્નો નહી ઉકેલાતા કર્મચારીઓમાં રોષ ઉઠ્યો હોવાનું અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું છે.નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલ માટે સંકલન સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમના ભાગરૂપે કાળી પટ્ટી ધારણ કરવામાં આવશે. વિરોધ કાર્યક્રમના ભાગરૂપે નગરપાલિકાના પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...