દહેગામનગર પાલિકા વિસ્તારમાં બની રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા સરકાર દ્વારા 3.50 લાખની સહાય આપવામાં આવે છે. જે યોજનાનો લાભ લેવા લાભાર્થી દ્વારા ત્રણ વર્ષ પહેલા અરજી કરવામાં આવી હતી. જેમાં એક હપ્તો જમા થયો હતો અને એક બાકી હતી. જે હપ્તો મેળવવા કર્મચારીનો સંપર્ક કરાયા બાદ તેના દ્વારા 4 હજાર રુપિયાની લાંચ માંગવામાં આવી હતી. જેને લઇ ગાંધીનગર એસીબીની ટીમે આજે સોમવારે દહેગામના એક કોમ્પ્લેક્ષ પાસે લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
દહેગામ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 3.50 લાખની સહાય મેળવવા લાભાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં રહેતી મહિલાના પતિએ સહાય મેળવવા અરજી કરવામાં આવી હતી. અરજી કર્યા પછી 2.30 લાખનો હપ્તો જમા થઇ ગયો હતો. જ્યારે બાકીનો 1.20 લાખનો હપ્તો જમા થવાનો બાકી હતી. બાકીનો હપ્તો મેળવવા માટે મ્યુનિસિપલ એન્જિનિયર હિરેન રાજેશભાઇ પટેલ (રહે, હાલ રહે. 4, જયભોલે સોસાયટી, રૂક્ષમણી હોસ્પિટલ સામે, ખોખરા, અમદાવાદ મૂળ રહે.સોજીંત્રા, તા. જી.આણંદ)નો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ત્યારે એન્જિનિયર દ્વારા હપ્તો જમા કરાવવા માટે લાંચ માંગી હતી. અરજદાર પાસે લાંચ માંગવામાં આવતા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી આજે સોમવારે દહેગામ શહેરમાં આવેલા મન એવન્યુ કોમ્પ્લેક્ષ પાસે છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. લાંચિયા હંગામી કર્મચારી દ્વારા 4 હજારની લાંચ સ્વીકારવામાં આવતાની સાથે જ એસીબી પીઆઇ એસ.સી. શર્માની ટીમે ઝડપી લીધો હતો. જેને પગલે ચકચાર મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.