તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:ગાંધીનગરમાં સ્વૈચ્છિક સંસ્થાના વિરોધ વચ્ચે મનપામાં વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામા આવી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશનર નીતિ વિષયક નિર્ણય લઈ શકશે નહીં

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 18 એપ્રિલે યોજાનાર ચુંટણી રાજય ચુંટણી પંચ દ્વારા કોરોના કાળને ધ્યાને રાખી મુલત્વી કરી દેવાતાં આગામી 5મી મે ના રોજથી ચૂંટાયેલી પાંખ ની મુદત પૂર્ણ થવાની છે ત્યારે શહેર વસાહત મહા સંઘના વિરોધ વચ્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વહીવટદાર તરીકે કમિશ્નર ડો. રતન કુંવર ગઢવી ચારણ ની નિમણૂક કરીને તેઓને નીતિ વિષયક નિર્ણયો નહીં લેવાનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા આદેશો પણ આપી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ ભ્રષ્ટાચાર નાં ગંભીર આક્ષેપો થી ઘેરાયેલું છે. ગાંધીનગર કોર્પોરેશનમાં તોડ જોડ ની નીતિ થી સત્તા હાંસલ કરનાર ભાજપ માટે આ વખતની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ સમાન બની ગઈ હતી. વર્ષોથી જે પ્રકારે સ્માર્ટ સીટી સહિતના પ્રોજેક્ટો સંદર્ભે જે પ્રકારે ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા જે જોતા ભાજપ માટે ચુંટણી જીતવી કપરા ચઢાણ જેવી બની ગઈ હતી.

ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી 18 મી એપ્રિલે જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર પ્રસાર માં કોઈ કમી રહેવા દીધી ન હતી. એમાંય સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ બાદ કોરોના ના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવતાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણી મુલત્વી રાખવાની માંગ કરવામાં આવી હતી બીજી તરફ ભાજપ પક્ષ દ્વારા ચુંટણી પ્રચાર માં કોરોના ગાઈડ લાઈનોનું ચિર હરણ કરીને રાજકીય મેળાવડા યોજતા પોતાના જ ઉમેદવારો તેમજ કાર્યકરો સંક્રમિત થવા લાગ્યા હતા.

આ બધાની વચ્ચે રાજય ચુંટણી પંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મુલત્વી રાખવાની જાહેરાત કરતાં રાજકીય પક્ષોની મન મા ને મનમાં રહી ગઈ હતી. તો બીજી તરફ કોરોના કાળમાં પ્રજાને આરોગ્ય લક્ષી સહિતની સેવાઓ માટે લાઈનો લગાવવામાં આવતા શહેર વસાહત મહા સંઘ ધ્વારા કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનર ની નિમણૂક નહીં કરવા રાજય સરકાર સમક્ષ માંગણી પણ કરવામાં આવી હતી.

ત્યારે આજે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનર ડો. રતન કુંવર ગઢવી ચારણની નિમણુંક કરી દેવામાં આવી છે. જે અન્વયે 5 મી મે થી કોર્પોરેશન ની મુદત પૂર્ણ થતી હોવાથી વહીવટદાર તરીકે કમિશ્નર રોજબરોજની કામગીરીનું વહન કરી શકશે પરંતુ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં. ભવિષ્યમાં સામાન્ય ચુંટણી પૂર્ણ થયે થી ચૂંટાયેલી પાંખ ની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી કમિશ્નર કોર્પોરેશન નો વહીવટ કરશે.

ઉપરાંત ચૂંટણી પછી સ્ટેન્ડીંગ કમિટીની રચના થાય ત્યાં સુધી સ્ટેન્ડીંગ ને મળેલી તમામ સત્તાનો ઉપયોગ કમિશનર દ્વારા કરવામાં આવશે. જો કે તેઓ નીતિ વિષયક કોઈ જ નિર્ણય લઈ શકશે નહીં તેવો પણ સંયુક્ત સચિવ દ્વારા કરી દેવામાં આવતા આગામી 5 મી મે થી હાલની ચૂંટાયેલી પાંખ નવરી ધૂપ થઈ જશે તે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...