જીવના જોખમે જીવ બચાવ્યો:ગાંધીનગરનાં લીંબડીયા નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ મોતની છલાંગ લગાવી, સિક્યુરિટી ગાર્ડે પાણીમાં તરફડિયાં મારતી મહિલાનો જીવ બચાવી લીધો

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ચીલોડાની પરિણીતાએ 14 વર્ષની દીકરી સાથે કેનાલમાં પડતું મુક્યું હતું

ગાંધીનગર જિલ્લાના લીંબડીયા નર્મદા કેનાલમાં આજે મોટા ચીલોડાની પરિણીતાએ 14 વર્ષની દીકરી સાથે કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી લીધી હતી. જોકે, ફરજ પરના બે સિક્યુરીટી ગાર્ડસ દ્વારા કેનાલમાં કૂદકો મારીને પાણીમાં તરફડિયાં મારતી પરિણીતાને ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવી હતી. જ્યારે તેમની દીકરીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. હાલમાં ગંભીર હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આજે લીંબડીયા નર્મદા કેનાલમાં એક મહિલા અને છોકરી પડ્યા હોવાની જાણ ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ પ્રવીણ જાદવ અને પોપટજી ઠાકોરને થઈ હતી. આથી બન્ને ગાર્ડ કેનાલ પર દોડી આવ્યા હતા. એ સમયે મહિલા કેનાલમાં તરફડિયાં મારતી હતી. જે જોઈને ક્ષણ નો પણ વિચાર કર્યા વિના પ્રવીણ જાદવ એ કેનાલમાં કૂદકો માર્યો હતો. જેમની સાથે પોપટજી પણ ટ્યુબ લઈને કૂદી પડ્યા હતા.

બાદમાં ભારે જહેમત પછી મહિલાને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવી હતી. જેનાં મોઢાંમાંથી ખાદ્ય ખોરાક પણ બહાર નીકળી ગયો હતો. પરંતુ તેની સાથેની છોકરીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ અંગે પ્રવીણ જાદવે જણાવ્યું હતું કે, બ્રિજ પર અમારી નોકરી હતી. એ વખતે મહિલા અને તેની સાથેની છોકરી લીંબડીયાં પુલ પર આવ્યા હતા. બાદમાં પર્સ, બે સાડી, બે જોડી ચંપલ, બે જોડ ચશ્મા અને મોબાઈલ પુલ ની સાઈડમાં મૂકી પુલ પરથી જ કેનાલમાં કૂદી પડ્યા હોવાની જાણ રાહદારીએ કરી હતી.

બાદમાં અમે કેનાલમાં કૂદીને મહિલાને બચાવી લીધી હતી. પણ તેની દીકરીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. ત્યારે સિવિલ દોડી આવેલા મહિલાના સગા એ જણાવ્યું હતું કે, મોટા ચીલોડામાં અને ખાનગી સ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરતા બાબુભાઈ પ્રજાપતિના આશરે 55 વર્ષીય આનંદીબેનને એક દીકરી છે. જેમનું પિયર લવાદ ગામ થાય છે.

તેમણે ક્યાં કારણસર કેનાલમાં પડતું મુક્યું છે કાંઈ ખબર નથી. હાલમાં આનંદીબેન આઇસીયુમાં દાખલ છે. તેમના પરિવારજનો આવે એ પછી જ કશું કહી શકીશ. આ અંગે પોલીસ દ્વારા પણ સિવિલ જઈને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...