રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો કાળો કેર:રાજ્યમાં કોરોના કરતાં મૃત્યુદર સાડાત્રણ ગણો વધુ, દર્દીઓની રિકવરી પણ કોરોના કરતાં છઠ્ઠા ભાગની

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • દર 1000 દર્દીએ કોરોનાથી 12નાં, મ્યુકોરમાઇકોસિસથી 41નાં મોત
  • એક અનુમાન મુજબ, 250થી વધુ લોકોનાં મ્યુકોરમાઇકોસિસથી મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી મુજબ, ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 2,859 કેસ નોંધાયા છે. જોકે ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા હોવાથી અને તેમનું રિપોર્ટિંગ થયું ન હોય તેવા કિસ્સામાં આ આંકડો ઘણો વધુ હોઇ શકે છે, કારણ કે રાજ્યમાં 250થી વધુ લોકો આ ફૂગજન્ય રોગને કારણે મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના રોગને કારણે થતો મૃત્યુદર કોરોના કરતાં સાડાત્રણ ગણો વધુ છે. દર હજાર દર્દીએ કોરોનાના 12 દર્દી મૃત્યુ પામ્યા એની સામે ગુજરાતમાં 41 દર્દી મૃત્યુ પામ્યાં હોવાનું ગુજરાત સરકાર સત્તાવાર રીતે જણાવે છે.

રિકવરી રેટની દૃષ્ટિએ પણ મ્યુકોરમાઇકોસિસથી સાજાં થતા દર્દીઓની સામે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાડા છ ગણી વધુ છે. કોરોનાનો રિકવરી રેટ ગુજરાતમાં હાલ 91 ટકા જેટલો છે, તેની સામે મ્યુકોરમાઇકોસિસનો રિકવરી રેટ 14.3 ટકા જેટલો જ છે. ગુજરાત સરકારે આ બીમારીને રોગચાળો જાહેર કરી છે. હાલ સમગ્ર દેશમાં 11 હજાર કરતાં વધુ કેસ નોંધાયાં છે, તેમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવાયું છે.

અડધાને જ સ્ટિરોઇડ, ત્રીજા ભાગને જ ઓક્સિજન અપાયો હતો
ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં જેટલા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ નોંધાયા છે તેમાંથી માત્ર ત્રીજા ભાગના દર્દીઓને જ કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન સપોર્ટ પર રાખ્યા હતા, જ્યારે અડધા દર્દીઓને સારવાર દરમિયાન સ્ટિરોઇડના ડોઝ અપાયા હતા. મ્યુકોરમાઇકોસિસના મુખ્ય કારણમાં સ્ટરિલાઇઝ કર્યા વગરના ઓક્સિજન માસ્ક, સિલિન્ડર તથા સ્ટિરોઇડના ડોઝને ગણવામાં આવે છે.

મ્યુકોરમાઇકોસિસ માટે 11 સભ્યના ટાસ્કફોર્સની રચના
ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસની ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં એકસૂત્રતા જાળવવા માટે 11 નિષ્ણાત ડોક્ટરોના ટાસ્કફોર્સની રચના કરાઈ છે, જેમાં ડેન્ટલ, ઇએનટી, ઓપ્થેલ્મોલોજી અને મેડિસિન વિભાગના સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના તબીબોનો સમાવેશ થાય છે.

ટાસ્કફોર્સના સભ્યોઃ અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના અધિક નિયામક ડો.ગિરીશ પરમાર, બી.જે. મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો.કમલેશ ઉપાધ્યાય, બી.જે. મેડિકલ કોલેજના ઈ.એન.ટી સ્પે. ડો.બેલા પ્રજાપતિ, અમદાવાદની એમ.એન્ડ જે. ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થેલ્મોલોજીનાં ડો.હંસા ઠક્કર, સુરતની સરકારી મેડિકલ કોલેજના ડો. અશ્વિન વસાવા, સુરતની સરકારી મેડિકલ કોલેજના ડો.આનંદ ચૌધરી, જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડો.બી.આઈ.ગોસ્વામી, રાજકોટની પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડો.સેજલ મિસ્ત્રી, રાજકોટની પી.ડી.યુ. મેડિકલ કોલેજના ઓપ્થેલ્મોલોજિસ્ટ ડો.નીતિ શેઠ, ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના ઈએનટી વિભાગના ડો.સુશીલ ઝા અને ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના ઓપ્થેલ્મોલોજિસ્ટ ડો.નિલેશ પારેખ.

દર્દીઓ 45થી 60 વર્ષની વયજૂથના
મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો આ રોગના દર્દીઓ પૈકી માત્ર 0.5% દર્દીઓ 18 વર્ષથી ઓછી વયના, 28.4% દર્દીઓ 18થી 45 વર્ષની ઉંમરના, 46.3% દર્દીઓ 45થી 60 વર્ષના વયજૂથના છે, જ્યારે 60થી વધુ ઉંમર ધરાવતાં દર્દીઓનું પ્રમાણ 24.9% છે. અત્યારસુધી મ્યુકોરમાઇકોસિસના નોંધાયેલા દર્દીઓમાંથી 67.1% પુરુષો, જ્યારે 32.9% સ્ત્રીઓ છે.

મ્યુકોરમાઇકોસિસના 60 ટકા દર્દીઓ ડાયાબિટીસ ધરાવે છે
આ દર્દીઓ પૈકી 59 ટકા દર્દીઓ ડાયાબિટીસથી પીડાય છે, 22.1 ટકા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, જ્યારે 15.2 ટકા દર્દીઓને જટિલ બીમારીઓ છે.

અન્ય સમાચારો પણ છે...