દારૂની હેરફેર ઝડપાઈ:શેરથા ટોલ ટૅક્સ પાસેથી વિદેશી દારૃના જથ્થા સહિત 7. 76 લાખથી વધુનો મુદામાલ જપ્ત, દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરવામાં આવતું હતું

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠાથી દારૂ ભરેલો જથ્થો અડાલજ પહોંચતો કરવાનો હતો, એ પહેલાં જ એલસીબીએ ઝડપી પાડ્યો

ગાંધીનગરના શેરથા ટોલ ટૅક્સ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પૂર્વ બાતમીના આધારે પહેલા વિદેશી દારૂની કારનું પાયલોટીંગ કરતી કાર સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા. બાદમાં દારૂ ભરેલી ટેક્સી ઈકો કારને પણ ઝડપી પાડી અંદરથી દારૂ - બિયરનો જથ્થો, મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

શેરથા ટોલ ટૅક્સ નજીક એલસીબીએ વોચ ગોઠવી
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચનાં ઇન્સ્પેકટર જે એચ સિંધવ અને એચ પી પરમારની ટીમ આજે અડાલજ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, એક સફેદ કલર ઇકો ગાડીમાં બે ઈસમો એક દારૂ ભરેલ ગાડીનુ પાયલોટીંગ કરી રહ્યા છે. જેથી શેરથા ટોલ ટૅક્સ, રેલ્વે ગરનાળા પાસે આવેલ બમ્પ નજીક વૉચ ગોઠવી દેવાઈ હતી. એ દરમ્યાન મહેસાણાથી અડાલજ તરફ આવતા રોડ ઉપર શેરથા ટોલ ટેક્ષ પસાર કરી એક સફેદ ઇકો ગાડી આવતાં ખાનગી વાહન તેમજ પસાર થતા રાહદારીઓના વાહનોની મદદથી રોડ ઉપર આડાશ કરીને તેને રોકી દેવામાં આવી હતી.જેમાં બેઠેલા ઈસમોનું નામઠામ પૂછતાં તેમણે પોતાના નામ સુનિલકુમાર કનુભાઇ આસલ (રહે. માળી વાસ, દિયોદર) અને ભલાભાઇ ઉદાભાઇ વણકર (રહે. પાલડી મીઠી,દિયોદર) હોવાનું જણાવ્યું હતું.

દારૂનો જથ્થો ભરેલી ટેક્ષી પાસીંગની ઇકો કારનું પાયલોટીંગ થતું હતું
જેઓની વધુ પૂછતાંછમાં જાણવા મળ્યું હતું કે,તેઓ પોતે નીતેશકુમારના કહેવા મુજબ દારૂનો જથ્થો ભરેલી એક ટેક્ષી પાસીંગની ઇકો કારનું પાયલોટીંગ કરી રહ્યા છે. જે કાર પણ થોડીવારમાં અહીંથી પસાર થવાની છે.જે અન્વયે એલસીબી ટીમે વોચ ગોઠવી દારૂ ભરેલી કારને પણ રોકી લઈ નિતેશકુમાર મનસુખ ઠક્કર(રહે.પુર્ણિમા સોસાયટી, દિયોદર)ને ઝડપી લેવાયો હતો.બાદમાં કારની તલાશી લેતાં અંદરથી દારૂ અને બિયરનો 48 હજાર 480નો જથ્થો મળી આવ્યો હતો.

અડાલજ વાવ નજીક પહોચતા ડીલીવરીની ટીપ મળવાની હતી
જે અંગે નીતેશની પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરી હતી કે,વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો રાજસ્થાન ખાતેથી પપ્પુ મામા નામના વ્યક્તિએ તેના માણસ રસિકભાઇ જોધાભાઇ ઠાકોર (રહે. મોઝરૂ ગામ,દિયોદર)એ મોકલી આપ્યો છે. અને અડાલજ વાવ નજીક પહોચી રસિકભાઇને ફોન કરતા આગળની ટીપ મુજબ ડીલીવરી કરવાની હતી. આ અંગે એલસીબીએ ગુનો નોંધી ઉક્ત આરોપીઓની ધરપકડ દારૂ - બિયરનો જથ્થો, બે કાર, મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 7.76 લાખનો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...