સરકારી શાળામાં ભણતાં બાળકો માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરે છે. સરકારે સ્કુલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આ તમામ યોજનાનો હેતુ એ છે કે, બાળકોને સરકારી શાળામાં યોગ્ય સુવિધા સાથે સારું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે. ગુજરાતમાં નવી સરકારે શાસનની શરૂઆત કરવાની સાથે જ આગામી 100 દિવસના લક્ષ્યાંક પણ નક્કી કરી તેને સાર્થક કરવા માટે આયોજન ઘડી નાખ્યા છે. ક્લાયમેટ ચેન્જ વિભાગ દ્વારા આ અંતર્ગત કેટલાંક મુદ્દાઓ નક્કી કર્યા છે જેમાં મહત્વનો મુદ્દો સરકારી શાળામાં એલઈડી લાઈટને અજવાળે વિદ્યાર્થીઓને ભણાવવાનો મુદ્દા પર વધારે ફોકસ કરવા જણાવાયું છે.
જેડા દ્વારા વિવિધ મુદ્દા 100 દિવસમાં પૂરા કરવાનો ટાર્ગેટ
ક્લાયમેટ ચેન્જ વિભાગના તાબા હેઠળ આવતા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (જેડા) દ્વારા આગામી 100 દિવસના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે. આ અંતર્ગત મિટીંગના દોર પણ ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની જેડા હેઠળ આવતી વિવિધ સરકારી અમલી યોજનાઓનો વ્યાપ વધારવા તેમજ બાકી રહેલી કામગીરી પૂરી કરવાના લક્ષ્યાંક સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેડા દ્વારા વિવિધ 10 જેટલા મુદ્દા નક્કી કરી તે કામ 100 દિવસની અંદર પૂરા કરવા વિભાગને ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
23 શાળામાં વિજળી જ નથી: સરકારનો વિધાનસભા ગૃહમાં જવાબ
વર્ષ 2022ના માર્ચ મહિનામાં યોજાયેલા બજેટ સત્ર દરમિયાન તારીખ 7 માર્ચના રોજ કોંગ્રેસના ઝાલોદ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારા (જેમણે બાદમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અગાઉ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા હતા)એ શિક્ષણ મંત્રીને ઉદ્દેશીને સવાલ કર્યો હતો. આ સવાલમાં પૂછવામાં આવ્યું હતું કે, રાજ્યની કેટલી સરકારી શાળામાં વિજળીનો અભાવ છે? કેટલી શાળામાં કમ્પાઉન્ડ વોલ નથી? જેનો તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. સરકારે રજૂ કરેલા જવાબમાં રાજ્યની 23 સરકારી શાળામાં વિજળીનો અભાવ હોવાનું સરકારે સ્વિકાર્યું હતું.
5 જિલ્લાની 23 શાળામાં વીજળી જ નથી
જિલ્લો | શાળા |
કચ્છ | 2 |
સુરેન્દ્રનગર | 1 |
પોરબંદર | 7 |
દ્વારકા | 1 |
મોરબી | 3 |
ગીરસોમનાથ | 9 |
કુલ | 23 |
(7 માર્ચ 2022ના રોજ ગૃહની અંદર સરકારે રજૂ કરેલા જવાબ મુજબ)
5439 સરકારી શાળામાં કમ્પાઉન્ડ વોલ જ નથી
33 જિલ્લાની કુલ 5439 શાળામાં કમ્પાઉન્ડ વોલ નથી. જ્યારે 272 ખાનગી શાળામાં કમ્પાઉન્ડ વોલની સુવિધા નથી. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 350 સરકારી શાળામાં કમ્પાઉન્ડ વોલ તૈયાર કરવામાં આવી નથી. જ્યારે સુરત અને નવસારીમાં અનુક્રમે 29 અને 32 ખાનગી શાળામાં કમ્પાઉન્ડ વોલની સુવિધા નથી. (7 માર્ચ 2022ના રોજ ગૃહની અંદર સરકારે રજૂ કરેલા જવાબ મુજબ)
ક્લાયમેટ ચેન્જ વિભાગના 100 દિવસના લક્ષ્યાંક
કામો પૂરા કરવા સરકાર સતત પ્રયત્નશીલ: મુકેશ પટેલ
આ અંગે ક્લાયમેટ ચેન્જ વિભાગના રાજ્ય કક્ષા મંત્રી મુકેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દરેક વિભાગને 100 દિવસના લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. આ લક્ષ્યાંક અંતર્ગત ક્લાયમેટ ચેન્જ વિભાગે પણ પોતાના કામની રૂપરેખા નક્કી કરી છે. સરકારે બિનપરંપરાગત ઊર્જા સંદર્ભે અનેક કામગીરી નક્કી કરી છે. નક્કી કરવામાં આવેલા તમામ કામો ઝડપથી પૂરા થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.