રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું:વરસાદથી વધુ 14નાં મોત, મરણાંક 83 થયો, મૃતકોના પરિવારને 4 લાખ સહાય; ડેમ-ધોધ પર પ્રવાસી વધ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના સારોલ ગામે ઓચિંતા પૂર વચ્ચે સ્કૂલનાં બાળકોને બચાવાયાં હતાં. - Divya Bhaskar
બોરસદ તાલુકાના સારોલ ગામે ઓચિંતા પૂર વચ્ચે સ્કૂલનાં બાળકોને બચાવાયાં હતાં.

રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઇ છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે વધુ 14 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં કુલ મૃત્યુ આંક 83 થયો છે. 7 જુલાઇથી 13 જુલાઇ સુધીમાં જ 31 લોકો મૃત્યુ પામ્યા છે.

હાથણી માતા ધોધ
હાથણી માતા ધોધ

એસડીઆરએફના ધોરણો મુજબ માનવમૃત્યુ, પશુ મૃત્યુ અને નુકસાન બદલ તાત્કાલિક સહાય ચૂકવવા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. માનવ મૃત્યુમાં 4 લાખની સહાય ચૂકવવામાં આવશે. પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ખેડા જિલ્લામાં 5 મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવી દેવામાં આવી છે. પશુ મૃત્યુના કિસ્સામાં દુધાળા પશુ માટે 30 હજાર, ઘેટાં બકરા માટે 3 હજાર અને બળદ, ઊંટ, ઘોડા જેવા પશુઓ માટે 25 હજાર, રેલ્લો, વાછરડી, ગધેડો, પોની જેવા પશુઓ માટે 16 હજાર રૂપિયાની સહાય ચૂકવાશે. મરઘા માટે 50 રૂપિયાની સહાય 5 હજારની મર્યાદામાં અપાશે. વરસાદમાં નુકશાન કે નાશ પામેલા મકાનદીઠ 95,100 રૂ. જ્યારે પર્વતીય વિસ્તાર માટે 1,01,900 રૂ.ની સહાય ચૂકવાશે. ઝૂંપડા માટે 4,100 રૂ. સહાય અપાશે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે હાલમાં સ્થળાંતર કરાયેલા પૈકી 7090 નાગરિકો આશ્રયસ્થાનોમાં છે. અત્યારસુધીમાં 575 નાગરિકોને રેસ્કયુ કરાયા છે. કચ્છ, નવસારી અને ડાંગ એમ ત્રણ નેશનલ હાઇવે બંધ છે જ્યારે પંચાયતના 483 અને સ્ટેટ હાઇવે તથા અન્ય મળીન 51 રસ્તા બંધ છે. એસટીના 124 રૂટ બંધ છે. 40 જેટલા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ શક્યો નથી.

દરમિયાન આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર યથાવત રહેતાં ગામડાઓમાં સીમ વિસ્તાર પાણીથી તરબોળ જોવા મળી રહ્યાં છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોરસદ તાલુકામાં નોંધાયો છે. ચોમાસાના પ્રારંભે મેઘરાજાએ બીજી વાર બોરસદને ધમરોળતાં 4 ઇંચ વરસાદથી ગાજણાં અને આજુબાજુના ગામોના ધસમસતાં પાણી સારોલ ગામના તળાવમાં આવતાં અચાનક તળાવ ઓવરફ્લો થતાં ગામની ગલીઓ અને શાળામાં કેડસમાં પાણી ફરી વળ્યાં હતાં. બીજી તરફ સરકારીશાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ હોય તાત્કાલિક ગ્રામજનોએ રેસ્ક્યું કરી 350 જેટલાં બાળકોને દોરડાની મદદથી સલામત રીતે બહાર કાઢી લીધા હતાં. જેથી વાલીઓને હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...