મહેસાણાના વિસનગરમાં ગઈકાલે શુક્રવારે લગ્નપ્રસંગના જમણવારમાં 1200થી વધુ લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા હતા. જે પૈકીના 32થી વધુ લોકોને અમદાવાદ-આણંદ ખાતે ઘરે પરત ફરતી વખતે અચાનક ઝાડા-ઉલ્ટીઓ શરૂ થતાં આખી બસ ભરીને બધાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. એકસાથે આટલા બધા લોકોને ઝાડા-ઉલ્ટી શરૂ થતાં સિવિલના તાત્કાલિક વિભાગમાં એક સમયે બેડ પણ ખૂટી પડ્યા હતા. હાલમાં બધાની હાલત સ્થિર છે જ્યારે ત્રણ ચાર દર્દીને વધુ સારવાર અર્થે દાખલ રાખવામાં આવશે.
મહેસાણા વિસનગર ખાતેના એક ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગમાં રાખેલા જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. જેમને આસપાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અન્ય 32થી વધુ લોકો બસમાં અમદાવાદ-આણંદ તરફ પરત ફરી રહ્યા હતા. એ સમયે તેમને પણ રસ્તામાં ફૂડ પોઇઝનિંગની અસર થતાં આખી બસ ભરીને દર્દીઓને વહેલી પરોઢિયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લઈ આવવામાં આવ્યા હતા.
આ બનાવના પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ તુરંત જ દર્દીઓને મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે તેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. હાલમાં બધાની સ્થિતિ સ્થિર હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાખાણી જણાવ્યું હતું. જેમાથી ચારેક દર્દીઓને વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડશે તેમ જાણવા મળ્યું છે.
શું હતો મામલો ?
મહેસાણાના વિસનગરના સવાલા નજીક લગ્નપ્રસંગ યોજાયો હતો. જેમાં લગભગ 15 હજાર જેટલા લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસના લઘુમતી મોરચાના પ્રમુખ વઝીરખાન પઠાણના દીકરા શાહરૂખખાનના લગ્નપ્રસંગ હોવાનું બહાર આવ્યું છે. લગ્નમાં જમણવાર બાદ લગભગ 1225 લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું ડિઝાસ્ટર વિભાગમાં નોંધાયુ છે. આ તમામ લોકોને ઝાડા-ઊલ્ટી સહિતની સમસ્યાઓ થઇ હોવાનું સામે આવ્યુ હતું. જેના બાદ તમામને મહેસાણા, વિસનગર અને વડનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્યને ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.