રાજ્યમાં પ્રથમવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતાઓ-બહેનોને 0 ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે. આત્મનિર્ભર ભારતના વડા પ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલાશક્તિ લીડ લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે (17 સપ્ટેમ્બરે) મુખ્યમંત્રી વિજય રૂપાણી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપશે. કોરોના પછીની બદલાયેલી આર્થિક-સામાજિક જીવનશૈલીમાં મહિલાશક્તિ- માતા-બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. રાજ્યનાં 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.
મહિલા જૂથદીઠ રૂ. 1 લાખ સુધીની લોન સરકારી સહિતની સંસ્થાઓમાંથી મળશે
કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જેમાં બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યૂટીમાં પણ માફી આપવામાં આવશે. મહિલા જૂથદીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં આ યોજનામાં જોડાવા અંગેના એમ.ઓ.યુ. કરશે.
પ્રત્યેક જૂથને એક લાખનું લોન-ધિરાણ આપવામાં આવશે
પ્રાપ્ત માહિતી અનુસાર, 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન-ધિરાણ તેમજ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો-મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર-પરિવારનો આર્થિક આધાર બનવા સાથે નાના માણસની મોટી લોનનું મુખ્યમંત્રીનું ધ્યેય પણ સાકાર થશે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે 175 કરોડનું બજેટ પસાર
મુખ્યમંત્રીએ રૂપિયા 175 કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું છે. સાથે જ ગ્રામીણ વિસ્તારોનાં 50 હજાર અને શહેરી ક્ષેત્રનાં 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાનો મુખ્યમંત્રીનો સંવેદનશીલ અભિગમ છે. ગ્રામીણ વિસ્તારોમાં યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની દ્વારા કરાશે.
આ યોજના થકી લાખો મહિલાઓ આત્મનિર્ભર બનશે
શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હૂડ મિશન અમલીકરણ કરશે. રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતાના સ્વમાન ભેર જીવવાનાં સપનાં-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદીપક બનશે તેમજ શ્વેતક્રાંતિમાં અગ્રેસર ગુજરાતની નારીશકિતને હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનાં કૌવત, કૌશલ્ય અને સપનાં સાકાર કરવાની તક આપવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.