ગાંધીનગર મનપામાં પ્રોપર્ટી ટેક્સના બીલોમાં અનેક ધાંધીયા સામે આવ્યા છે. જેમાં મકાન કરતાં વધારે વિસ્તાર, નામમાં ભૂલો, એક જ ઘરમાં ઉપર નીચે અલગ-અલગ બીલો સહિતના અનેક ધાંધીયા હાલ સામે આવ્યા છે. કોર્પોરેશન કચેરી ખાતે છેલ્લા 15 દિવસથી અંદાજે રોજની 200થી વધુ ફરિયાદો પ્રોપર્ટીટેક્સ બીલોને લઈ આવી રહી છે. બીજી તરફ છેલ્લી ઘડીએ બીલોનું વિતરણ થતાં હાલ કોર્પોરેશન ખાતે લોકોનો ભારે ધસારો જોવા મળે છે. તેમાં પણ કોર્પોરેશન વિસ્તારમાં કરાયેલા પ્રોપર્ટીના સરવેની કામગીરી બાદ ભારે ધાંધીયા સામે આવ્યા છે.
અનેક રહેણાંક મકાનોમાં તેના વિસ્તાર કરતાં વધારે વિસ્તાર દર્શાવી દેવાયો છે. તો અનેક રહેણાંક મકાનોમાં નામમાં લોચા પડ્યા હતા. જેને પગલે નાગરિકોને ના છૂટકે કોર્પોરેશન ખાતે સુધારા માટે ધક્કા ખાવા પડી રહ્યાં છે. તેમાં અરજી કરવાથી લઈને અધિકારીઓની મંજૂરી સહિતની લાંબી પ્રક્રિયામાં નાગરિકોને બે-ત્રણ ધક્કા ખાવા પડી રહ્યાં છે. મિલકત વેરો ભરવાની છેલ્લી તારીખ 15 મે છે, આ છતાં હજુ પણ નવા વિસ્તારમાં અનેક સ્થળે પ્રોપર્ટી બીલોનું વિતરણ ચાલી રહ્યું છે. 15 મે પછી નાગરિકોએ બે રૂપિયા ચાર્જ સાથે 31 મે સુધી બીલ ભરવાનું રહેશે.
જોકે 1 જૂન પછીથી નોટિસ અમલી બન્યા બાદ મનપા દ્વારા 18 ટકા સાદુ વ્યાજ વસૂલાશે. ત્યારે હાલની સ્થિતિ સરવે બાદ ઉભા થયેલી મુશ્કેલીઓ અને મોડા બીલ પહોંચવાને પગલે અનેક નાગરિકોને વાંક વગર વધારાના પૈસા ભરવાના થાય તો નવાઈ નહીં.
પ્રોપર્ટી ટેક્સનાં બિલો આડેધડ અાપવામા આવે છે: વસાહત મહાસંઘ
બીલો અંગે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ પણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ‘પ્રોપર્ટી ટેક્સના બિલો આડેધડ આપવામાં આવે છે. મોટા ભાગના વસ્તારી કુટુંબના સભ્યોને કારણે મકાનો 2-3 માળના બનાવી એક જ પરિવાર ઉપર-નીચે રહેતો હોય છે.
એક જ માલિકનું મકાન હોવા છતાં બે બિલો અલગ અલગ શા માટે? બિલમાં ભાડવાત લખાઇને આવે છે. મોંધવારીને કારણે મકાનો ભાડે આપેલ હોય તો ભવિષ્યમાં આ ટેક્સ બિલના આધારે મકાન પચાવી પાડે તો જવાબદારી કોની? બંધારણ અને જનરલ નિયમો પ્રમાણે વન પ્રોપર્ટી વન ટેક્સ હોવો જોઈએ.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.