મુખ્યમંત્રી અને રાજ્યપાલના ઉપયોગ માટેના સરકારી વિમાન તથા હેલિકોપ્ટરનો ગુજસેલના ડાયરેક્ટર દ્વારા અંગત ઉપયોગ મામલે ‘દિવ્ય ભાસ્કરે’ ખૂલ્લા પાડેલા કૌભાંડનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો. ગૃહમાં આ મામલે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા બાદ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગૃહની બહાર આવીને કહ્યું હતું કે સરકારના વિમાનમાં ચૂંટણીના સમયે બીજા રાજ્યમાં પૈસાની હેરફેર કરવામાં આવી હતી.
ચાવડાએ એમ પણ કહ્યું કે બે ચાર વખત પ્લેનની મુસાફરી કરી હોય તો માની શકાય પરંતુ 100 વખત આ પ્રકારે મુસાફરી સરકારની જાણ બહાર થઇ હોય તે શક્ય નથી જેથી વિમાનનો ઉપયોગ આ પ્રકારના ફંડની હેરફેર માટે જ કરવામાં આવ્યો હોય તેવી શંકા પ્રબળ બને છે. ગુજરાત બહાર પણ તેમણે સરકારી વિમાનમાં પ્રવાસ કર્યો અને કોઇને ખબર ન પડે તેવું બની ન શકે. આ સમયગાળામાં બે મુખ્યમંત્રીઓ બદલાયા છતાં આ અધિકારીનો એવો તે શું પાવર હતો કે કોઇ તેને રોકી શક્યું નહીં. હેલિકોપ્ટરના એન્જિનમાં ખરાબી હતી, સીએમ અને રાજ્યપાલ પ્રવાસ કરે તો તેમની સલામતીને જોખમ હતું છતાં બે વર્ષ સુધી હેલિકોપ્ટર ઉડતું રહ્યું હતું.
સીએમએ જવાબદારોને સસ્પેન્ડ કર્યાઃ વાઘાણી
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારી વિમાન અંગે કરેલા આક્ષેપોનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ વાંધો ઉઠાવ્યો હતો. વાઘાણીએ કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં મુખ્યમંત્રીએ તપાસના આદેશ કર્યા છે અને જવાબદારને સસ્પેન્ડ કર્યા છે. વાઘાણીએ વાંધો ઉઠાવતા અધ્યક્ષે અમિત ચાવડાના કેટલાક શબ્દો ગૃહના રેકર્ડ પરથી દૂર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.