મનપા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાંથી નિવૃત્ત શિક્ષક થયેલા શિક્ષકોને બે બે વર્ષ જેટલો સમય થયો છે. તેમ છતાં હજુ રજા પગાર સહિતના નાણાં મળ્યા નથી. આથી નિવૃત્તિ બાદ પણ કર્મચારીઓને નાણાં નહી મળતા રોષ ઉઠવા પામ્યો છે.જ્યારે એક બાજુ રાજ્ય સરકાર નિવૃત્તો માટે યોજનાઓ બનાવે છે. પરંતુ તેની અમલવારી કરવા માટે ગ્રાન્ટ પણ આપવામાં આવતી નહી હોવાનો આક્ષેપો નિવૃત્ત શિક્ષકોએ કર્યો છે.
ગાંધીનગર મહાનગર પાલિકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો વય મર્યાદા કે સ્વૈચ્છિક નિવૃત્ત થયાને બે વર્ષ જેટલો સમય થયો છે. તેમ છતાં નિવૃત્તોને મળવાપાત્ર રજા પગારના નાણાં, વતન ભથ્થા તેમજ ભોગવેલા એલટીસીના નાણાં મળ્યા નથી. જેને પરિણામે નિવૃત્ત શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. જોકે શિક્ષકોને 300 રજાની મર્યાદામાં રોકડમાં ચુકવણી કરવા રાજ્ય સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે.
ઉપરાંત વતનથી નોકરીનું સ્થળ 25 કિમીથી વધારે અંતર હોય તો એક બેઝીક પગારની રકમ આપવામાં આવે છે. જોકે આ તમામ પ્રકારના નાણાં નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના દિવેસ ચુકવવાની જોગવાઇ છે. પરંતુ તેની જ અમલવારી રાજ્યના પાટનગરની સરકારી પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષકોના માટે કરવામાં આવતી નથી.જોકે નિવૃત્તોને મળવાપાત્ર ઉપરોક્ત નાણાં આપવાની માંગણી અનેક વખત કરવામાં આવી છે. પરંતુ ગ્રાન્ટ નહી મળવાથી નાણાંની ચુકવણીમાં વિલંબ થઇ રહ્યો છે.
એક કરોડની માંગણી સામે માત્ર 45 લાખ રૂપિયાની જ ગ્રાન્ટ મળી
મનપા વિસ્તારની પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષકોને રોકડ રજા પગાર સહિતના નાણાં નહી મળવા અંગે શાસના અધિકારી કિરણબેન પટેલને પુછતા જણાવ્યું છે કે રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ માંગણીની સામે માત્ર રૂપિયા 45 લાખની ગ્રાન્ટ ગત ગુરૂવારે આપવામાં આવી છે. આથી ગ્રાન્ટમાંથી સૌ પ્રથણ નિવૃત્તોના નાણાંની ચુકવણી આગામી સપ્તાહ સુધીમાં કરી દેવામાં આવશે તેમ તંત્ર તરફથી જણાવવામાં આવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.