ધારાસભ્યપદના શપથ:ધારાસભ્યોનો પગાર વહેલો શરૂ થાય તેથી 19 ડિસેમ્બરે શપથ લેશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીબાદ 20મીએ વિધાનસભાનું એક દિવસનું સત્ર યોજાશે
  • ગઈ વખતે શપથ મોડા​​​​​​​ લેવાતા MLAને પગાર મોડો મળ્યો

મંત્રીમંડળના શપથવિધિ બાદ આગામી 19 ડિસેમ્બરે નવનિયુક્ત ધારાસભ્યો પણ વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર સમક્ષ ધારાસભ્યપદના શપથ લેશે. 20મીએ એક દિવસની વિધાનસભાની પ્રથમ બેઠક મળશે. મંત્રીઓને તો શપથના દિવસથી પગાર-ભથ્થાં મળવાના શરૂ થઇ ગયા છે, જ્યારે ધારાસભ્યોને 19મીએ શપથ લીધા બાદ જ 20મીથી પગાર- ભથ્થાં મળવાના શરૂ થશે.

વર્ષ 2017માં ચૂંટણીના બે મહિના કરતા પણ વધુ સમય સુધી એટલે કે 24 ફેબ્રુઆરી સુધી ધારાસભ્યોની શપથવિધિ નહીં યોજાતા તેમને પગાર ભથ્થાં મળવાના મોડા શરૂ થયાં હતાં. આ વખતે તેમને ચૂંટાયાના 12 દિવસમાં જ પગાર-ભથ્થાં મળવા લાગશે. ધારાસભ્યોના શપથ માટે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરાશે. સામાન્ય પ્રથા એવી છે કે સૌથી સિનિયર ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવાય છે. જેથી યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર બને તેવી શક્યતા છે. પ્રોટેમ સ્પીકર પ્રથમ રાજ્યપાલ સમક્ષ શપથ લેશે ત્યારબાદ તમામ ધારાસભ્યો પ્રોટેમ સ્પીકર સમક્ષ શપથ લેશે.

ગૃહની એક દિવસની પ્રથમ બેઠક 20મી ડિસેમ્બરે યોજાશે. આ દિવસથી 15મી વિધાનસભા વિધિવત અસ્તિત્વમાં આવતા તેની ટર્મ એજ દિવસથી ગણાશે. જે મુજબ 15મી વિધાનસભાની ટર્મ 20મી ડિસેમ્બર 2022થી 19મી ડિસેમ્બર 2027 સુધીની રહેશે. 14મી વિધાનસભામાં પ્રથમ બેઠક 24મી ફેબ્રુઆરી 2018ના રોજ મળી હોવાથી તેની ટર્મ 23 ફેબ્રુઆરી 2023 સુધી હતી.

અન્ય સમાચારો પણ છે...