કોરોના વચ્ચે ચોમાસુ સત્ર:વિધાનસભા સત્રમાં હાજર રહેવું હશે તો તમામ ધારાસભ્યોએ કોરોનાનો રેપિડ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ થશે, બધા માટે કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત. - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ થશે, બધા માટે કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત.
  • સિનિયર ધારાસભ્યોને ગૃહમાં, જ્યારે જુનિયર ધારાસભ્યોને વિવિધ 4 ગેલેરીમાં બેઠક વ્યવસ્થા
  • પત્રકારો માટે પણ ટેસ્ટ ફરજિયાત, માત્ર 25 પત્રકારને ગેલેરીમાં બેસવા દેવાશે
  • ધારાસભ્યોના PA, ડ્રાઇવરને No Entry, મુખ્ય પ્રવેશદ્વાર પર સેનિટાઈઝર અને થર્મલ ગનથી ચેકિંગ થશે
  • વિધાનસભામાં ફરજ બજાવનારા પોલીસ અધિકારી-કર્મચારીઓએ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે

સિનિયર ધારાસભ્યોને ગૃહમાં, જ્યારે જુનિયર ધારાસભ્યોને વિવિધ 4 ગેલેરીમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત વિધાનસભા સત્રની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના સિનિયર ધારાસભ્યો માટે વિધાનસભા ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્ય જુનિયર ધારાસભ્યો માટે અલગ-અલગ 4 ગેલેરીમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પૂરતું આયોજન
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિધાનસભાના સત્ર સંદર્ભે થયેલી વિસ્તૃત ચર્ચા બાદ મીડિયાને વિગતો આપતા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સંક્રમણ ન થાય એ માટે પૂરતી તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, તમામ ધારાસભ્યોને ટેસ્ટિંગ કર્યાં બાદ જ પ્રવેશ અપાશે. ગૃહમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ પૂરતુ આયોજન કરાયું છે. વિધાનસભાના સત્ર દરમિયાન તકેદારીના ભાગરૂપે અરજદારો મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહીં.

કોરોના વોરિયર્સની કામગીરીને નીતિન પટેલ બિરદાવશે
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્યમાં કોરોના કાળના વિપરીત સંજોગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સરકારી સંકલ્પ રજૂ કરાશે. જે 24 વિધેયકો રજૂ થવાના છે તેમાં મુખ્યત્વે ગુંડા ધારા એક્ટ, પાસાના કાયદામાં સુધારો, ભૂમાફિયા એક્ટ અને મહેસૂલી સેવાના રજિસ્ટર એક્ટ અંગેના વિધેયકો પસાર કરીને જનહિત લક્ષી નિર્ણય લેવાશે.

21મીથી સપ્ટેમ્બરથી 5 દિવસીય ચોમાસુ સત્ર
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સત્ર દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ, ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના આદેશ કર્યા છે અને મંત્રીઓ, ધારાસભ્યા માટે અલગ બેઠક વ્યવસ્થા સાથે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે.

ધારાસભ્યો માટે વિધાનસભા ગૃહ અને ગેલેરીમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ
વિધાનસભા ગૃહમાં ચાલનારી કામગીરીમાં ભાગ લેનારા રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને અલગ-અલગ રાજકીય પક્ષના ધારાસભ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના સત્રની કામગીરીમાં અધ્યક્ષ સિવાયના ભાજપ, કોંગ્રેસ એનસીપી અને અપક્ષના કુલ 171 સભ્યો ગૃહમાં હાજરી આપશે, જે પૈકી 92 જેટલા સભ્યો (મંત્રીઓ ઉપરાંત રાજકીય પાર્ટીના સિનિયર ધારાસભ્યો) વિધાનસભા ગૃહમાં બેસશે, જ્યારે 79 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા વિધાનસભા અલગ-અલગ ચાર ગેલેરીમાં ગોઠવવામાં આવી છે.

વિધાનસભામાં ધારાસભ્યોના ડ્રાઇવર અને પીએને પ્રવેશ નહીં મળે
ગેલેરી 1માં 26 ધારાસભ્યો, ગેલેરી 2માં 21, ગેલેરી 3માં 13 અને ગેલેરી 4માં 19 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ, આ સત્રમાં અધ્યક્ષે એવો નિર્ણય કર્યો છે કે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય પ્રધાનમંડળમાં મંત્રીઓના કોઈપણ મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે. એટલું જ નહીં, ધારાસભ્યોના અંગત મદદનીશ (પી.એ) તેમના ડ્રાઈવર કે અન્ય કોઈપણ વ્યક્તિને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે.

મતક્ષેત્રમાંથી ધારાસભ્ય ટેસ્ટનું પ્રમાણપત્ર લઈ પ્રવેશ કરી શકશે
તમામ ધારાસભ્યોનો ગૃહમાં પ્રવેશ પહેલાં રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવે છે, જેના પગલે રાજકીય પાર્ટીની બેઠક સમયે આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ટીમો બોલાવીને ધારાસભ્યોના રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. જોકે કોઈપણ ધારાસભ્ય તેમના મતક્ષેત્રમાંથી અગાઉ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યાનું પ્રમાણપત્ર લઈને વિધાનસભામાં પ્રવેશ કરશે તો તેમના ટેસ્ટ નહીં કરવામાં આવે. રાજકીય પક્ષની બેઠકમાં ગેરહાજર રહ્યા હોય તેવા ધારાસભ્યએ 21 સપ્ટેમ્બરે સચિવાલયમાં તહેનાત મેડિકલ ટીમ પાસે ફરજિયાત ટેસ્ટ કરાવવાનો આદેશ વિધાનસભા અધ્યક્ષે કર્યો છે.

વિધાનસભા પ્રવેશદ્વારે સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા
ગુજરાત વિધાનસભાના મુખ્ય પ્રવેશદ્વાર પર પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફોર્મલ ટ્રેનિંગ અને સેનિટાઈઝરની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં ફરજ પર હાજર રહેનારા તમામ પોલીસ સ્ટાફનો પણ રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરિજયાત કરવામાં આવશે, પરંતુ આ સત્રમા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ હેતુથી માત્ર 25 પત્રકારોને જ પ્રવેશ આપવામાં આવશે. વિધાનસભાની કાર્યવાહીનું કવરેજ કરતા તમામ મીડિયાકર્મીઓએ ફરજિયાત રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવાનો રહેશે. નોંધનીય છે કે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ 30 સાંસદ કોરોનાગ્રસ્ત આવતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચોમાસુ સત્ર માટે કડક નિયમો બનાવ્યા છે અને આ નિયમોમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19 ટેસ્ટ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો છે. તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનો આગ્રહ દાખવ્યો છે.

ભૂમાફિયાઓ, ગુંડાઓ સામે કાયદાના સુધારા વિધેયક
પ્રદીપસિંહ જાડેજાએ અઠવાડિયા પહેલાં જણાવ્યું હતું કે 21મી સપ્ટેમ્બરે ચોમાસુ સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનને પગલે શો પ્રસ્તાવ લવાશે. ત્યાર બાદ 24 પ્રકારના વિવિધ કાયદાઓ અને કાયદાઓમાં સુધારા વિધેયક લાવશે, જેમાં ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે. ઉપરાંત લોકડાઉન અને અનલોકમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે.

વિધાનસભામાં રોજ 10 કલાક સત્ર ચાલશે
ચોમાસુ સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ 10 કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે સમગ્ર વહીવટી તંત્ર અને સચિવોને વિવિધ જિલ્લામાં સંક્રમણ અટકે તેની જવાબદારી આપવામાં આવી છે. તેથી સચિવો પણ સંકલનમાં જિલ્લાના હેડક્વાર્ટરમાં ફરજ પર છે. તેથી વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરાઈ છે કે તરાંકિત પ્રશ્નોતરી ના આવે, અધ્યક્ષ સૂચવશે તો ટૂંકી મુદતના પ્રશ્નોનો સમાવેશ થશે.

અન્ય સમાચારો પણ છે...